અાંગડિયા લૂંટમાં બાઈકના નંબરના અાધારે તપાસ

અમદાવાદ: શહેરના રતનપોળ વિસ્તારમાં આવેલી માધવલાલ મગનલાલ પટેલ આંગડિયા પેઢીના કર્મચારીને ગઇ કાલે સવારે બે બાઇક પર આવેલા શખ્સો છરીના ઘા મારી તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા ભરેલા બે થેલા લૂંટી ફરાર થઇ ગયા હતા. પોલીસે મળેલા બે બાઇકના નંબરના અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. બંને બાઇક સુરત આરટીઓ પાસિંગનાં હોઇ પોલીસે સુરત આરટીઓ પાસેથી બંને બાઇકનાં નંબર કોને ફાળવ્યા છે તેના માલિકની તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હેલ્મેટ અને બુકાનીધારી ચાર શખ્સો પાલડી બસ સ્ટેન્ડ નજીક ઊભા હતા.

દરમિયાનમાં ગઇ કાલે બપોરે આંગડિયાકર્મી મૂકેશભાઇ બોલેરો કારમાંથી ઊતરીને બસ સ્ટેન્ડ પર બેઠા કે તરત જ બે શખ્સો અહીં કેમ બેઠા છો? તેમ કહીને લાફો મારી બે થેલાને ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં એક શખ્સે છરી કાઢી મૂકેશભાઇને મારી બંને થેલા લઇ ફરાર થઇ ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં આ શખ્સો કેદ થઇ ગયા હોઇ પોલીસે સુરત પાસિંગનાં બંને બાઇકની તપાસ શરૂ કરી છે.

You might also like