અાંગડિયાની ઓળખ અાપી ગઠિયો ૧.૩૧ કરોડ લઈ ગયો

અમદાવાદ: શહેરના ગુરુકુળ વિસ્તારમાં ગાર્મેન્ટનો શો-રૂમ ધરાવતા મહિલા વેપારીને ગઠિયાે આંગડિયાવાળા તરીકે ઓળખ આપી આંગડિયાના રૂ. ૧.૩૧ કરોડ લઇ ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. મહિલા વેપારીના સુરત ખાતેના વેપારીએ આંગડિયાની માહિતી આપી આંગડિયામાં રૂ. ૮૩.૮૪ લાખ મોકલાવવા જણાવ્યું હતું, જેથી ૮૩.૮૪ લાખ અને અમદાવાદના જ એક વેપારીના રૂ.૪૮ લાખ આંગડિયા કરવા ગઠિયાને આપ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે હાલ આ અંગે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ભાડજ ગામમાં આવેલી ઈશ્વરચરણ સોસાયટીમાં રહેતાં છાયાબહેન વિષ્ણુભાઈ પટેલ ગુરુકુળ ખાતે સી.પી. ૬૦ના નામે ગાર્મેન્ટના શો-રૂમ દ્વારા વેપાર કરે છે. સુરત ખાતે રહેતા સંદીપભાઈ સાથે છાયાબહેનને પાંચ વર્ષથી પૈસાની લેતી-દેતી ચાલે છે. ૧ર સપ્ટેમ્બરના રોજ સંદીપભાઈએ સીજીરોડ પર આવેલી બંધન બેન્કમાં આરટીજીએસ કર્યું હતું. તેઓએ રૂ. ૩૧ લાખ પ્રહ્લાદનગર ખાતે આવેલી તેમની ઓફિસમાં મોકલવા જણાવ્યું હતું જ્યારે બાકીના રૂ. ૮૩.૮૪ લાખ આંગડિયા મારફતે ચૂકવવા કહ્યું હતું. સંદીપભાઈએ પી. વિજય નામનું આંગડિયા અને મોબાઈલ નંબર લખીને બીજા દિવસે મોકલી આપવા જણાવ્યું હતું.

છાયાબહેનના પુત્ર ભાવિને રૂ. ૩૧ લાખ પ્રહ્લાદનગર ખાતે આવેલી તેમની ઓફિસમાં મોકલી આપ્યા હતા. બીજા દિવસે પી. વિજય નામના આંગડિયાવાળાએ ફોન કરી પૈસાની ઉઘરાણી કરી હતી. છાયાબહેને સાંજે પાંચ વાગ્યે પૈસા આપવાનું કહી પેઢીનું સરનામું માગ્યું હતું. છાયાબહેનને અમદાવાદમાં જ રૂ. ૪૮ લાખનું આંગડિયું કરવાનું હોઈ પી. વિજય આંગડિયાવાળાને ફોન કરી ૪૮ લાખનું આંગડિયું લઇ જવા કહ્યું હતું. સાંજે ભાવિને આંગડિયાવાળાને બંધન બેન્ક ખાતે બોલાવી રૂ. ૪૮ લાખ અને રૂ. ૮૩.૮૪ લાખ મળી રૂ. ૧.૩૧ કરોડ પતરા અને પ્લાસ્ટિકની બેગમાં આપ્યા હતા.

થોડા સમય બાદ અમદાવાદના વેપારીએ ફોન કરીને પૈસા મળ્યા નથી અને આંગડિયાવાળો ફોન નથી ઉપાડતો તેવું જણાવ્યું હતું. દરમ્યાનમાં સંદીપભાઈએ પણ ફોન કરી આંગડિયાવાળાએ પૈસા ન ચૂકવ્યા હોવાની જાણ કરી હતી. આંગડિયાવાળાને ફોન કરતાં તેણે ફોન બંધ કરી દીધી હતો. આંગડિયા પેઢીની ઓળખ આપી રૂ. ૧.૩૧ કરોડની છેતરપિંડીની જાણ થતાં તેઓએ આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

You might also like