અદ્ભુત સ્થાપત્ય ધરાવતું આંધ્ર પ્રદેશનું લેપાક્ષી મંદિર

દુનિયાભરમાં દરેક મંદિર તેની કોઈને કોઈ ખાસિયતના કારણે પ્રસિદ્ધ હોય છે. પરંતુ આજે જે મંદિર વિશે તમને જાણવા મળશે તે સૌથી અલગ અને ખાસ છે. આ મંદિર આંધ્ર પ્રદેશમાં આવેલું છે અને વિશ્વભરમાંથી લોકો મુલાકાતે આવે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે તેના સ્તંભ જમીનથી ઉપર છે એટલે કે આ મંદિર હવામાં ઝુલતું છે.

લેપાક્ષી ગામમાં ૧૬મી સદીનું આ મંદિર વીરભદ્રનું છે. આંધ્ર પ્રદેશના અનંતપુરમાં સ્થિત લેપાક્ષી નામના એક નાનકડું ગામ લેપાક્ષીની. આ ગામ ૧૬મી શતાબ્દીમાં બનાવામાં આવ્યું છે. જે ત્યાંના લેપાક્ષી મંદિરની કલાત્મકતાના કારણે જાણીતું બન્યું છે. તે ખૂબ જ વિશાળ છે. અહીં ભગવાન શિવ, વિષ્ણુ અને વીરભદ્રને સમર્પિત ત્રણ મંદિરો છે. લેપાક્ષી મંદિરથી ૨૦૦ મીટર દૂર મુખ્ય માર્ગ પર પથ્થરથી બનેલી નંદિજીની પ્રતિમા છે જે ૨૭ ફુટ લાંબી અને ૧૫ ફુટ જેટલી વિશાળ છે તો વીરભદ્ર મંદિર પરિસરમાં નાગલિંગ પ્રતિમા પણ સ્થાપિત છે.

જેમાં એક શિવલિંગ પર સાત ફેણવાળો નાગ બેઠો છે. આ જ આ પરિસરમાં સ્થિત રામપદમ વિશે લોકો માને છે કે તે માતા સીતાજીનાં પગનાં નિશાન છે. આ સિવાય જે મોટાં પગલાં દેખાય છે તેને શ્રીરામનાં પદ ચિહ્નો માનવામાં આવે છે. આ સિવાય હનુમાનજીનાં પગલાંનુ ચિહ્ન પણ આવેલું છે.

લેપાક્ષીની આ ભૂમિને કરુણારૂપ શ્રીરામે પાવન કરી દીધી.જેમ સાગરમાં અનેક લહેરો આવે છે તેમ અહીં ભગવાનની કૃપા હિલોળા લે છે. ભગવાન રામના સ્વરૂપે આ ભૂમિને પાવન કરી દીધી અને સાથે હરિહરનો સમન્વય આ તીર્થમાં શ્રદ્ધા, આસ્થા અને ભક્તિની અભિવૃદ્ધિ કરે છે.

૧૬મી સદીમાં બનેલ લેપાક્ષી મંદિર હવામાં ઝૂલતા સ્તંભને કારણે સમગ્ર વિશ્વમાં મશહુર છે. આ મંદિરમાં અનેક સ્તંભ છે પરંતુ તેમાંથી એક સ્તંભ એવો પણ છે જે હવામાં લટકેલો છે. આ સ્તંભ જમીનને સ્પર્શ નથી કરતો અને કોઇ પણ પ્રકારના સહારા વિના ઊભેલો છે. લોકો આ વાતની પુષ્ટિ કરવા માટે આ સ્તંભ નીચેથી કપડું કે અન્ય વસ્તુઓ કાઢે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવું કરવાનું શુભ માનવામાં આવ્યું છે.

કહેવાય છે કે વનવાસ દરમ્યાન ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને માતા સીતા અહીં આવ્યાં હતાં. જ્યારે રાવણ સીતાનું અપહરણ કરી લંકા લઇ જઇ રહ્યો હતો ત્યારે ગિધરાજ જટાયુએ રાવણ સાથે યુદ્ધ કર્યું. યુદ્ધ દરમ્યાન ઘાયલ થઇ જટાયુ આ જ સ્થળે પડ્યા હતા અને જ્યારે માતા સીતાની શોધમાં શ્રીરામ અહીં પહોંચ્યા ત્યારે તેમણે ‘લે પાક્ષી’ કહેતાં જટાયુને પોતાના ગળે લગાવી લીધા.

સંભવત: આ જ કારણે ત્યારથી આ સ્થળનું નામ લેપાક્ષી પડ્યું. મુખ્ય રીતે ‘લે પાક્ષી’ એક તેલુગુ શબ્દ છે જેનો અર્થ ‘ઊભા થાવ પક્ષી’ છે. મંદિરનું રહસ્ય તેના ૭૨ સ્તંભ પૈકી એક સ્તંભ છે જે જમીનને સ્પર્શતો નથી. આ મંદિરનાં રહસ્યોને જાણવા માટે અંગ્રેજો તેને કોઇ અન્ય સ્થળે લઇ જવા માગતા હતા. આ મંદિરના રહસ્યને જોતાં એક એન્જિનિયરે મંદિરને તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો. ઇતિહાસકારોનું માનવું છે કે આ મંદિરનું નિર્માણ ૧૫૮૩માં વિજયનગરના રાજા માટે કામ કરતા બે ભાઇઓ (વિરુપન્ના અને વીરન્ના)એ કરાવ્યું હતું. કેટલાક એવું પણ માને છે કે તેનું નિર્માણ ઋષિ અગસ્તે કરાવ્યું હતું.

આ મંદિર ભગવાન શિવ, વિષ્ણુ અને વીરભદ્રનું છે. અહીં ત્રણેય ભગવાનોનાં મંદિરો છે. મંદિરના પરિસરમાં નાગલિંગની એક મોટી પ્રતિમા છે. માનવામાં આવે છે કે આ ભારતની સૌથી મોટી નાગલિંગ પ્રતિમા છે. મંદિરનું નિર્માણ વિજયનગર શૈલીમાં કરવામાં આવ્યું છે. તેમાં દેવી, દેવતાઓ, નર્તકીઓ, સંગીતકારોને ચિત્રિત કરવામાં આવ્યાં છે.•

You might also like