‘અંધેર’નગરી હોસ્પિટલમાં ‘અરવિંદ’રૂપી ઉજાસ!

અમદાવાદની નગરી આંખની હોસ્પિટલમાં જાન્યુઆરી ૨૦૧૬માં થયેલા અંધાપાકાંડમાં ૧૫ ગરીબ દર્દીઓએ આંખોની રોશની ગુમાવી ત્યારથી આ હોસ્પિટલ પરથી લોકોનો વિશ્વાસ ઊઠી ગયો છે. સ્થાનિકો હવે તેને ‘અંધેર નગરી હોસ્પિટલ’ તરીકે ઓળખવા લાગ્યા છે. આવી બદનામી વચ્ચે પણ એક માણસ અહીં જ્ઞાનરૂપી જ્યોત જલાવીને ઉજાસ પાથરી રહ્યો છે.

શહેરના પાલડી વિસ્તારમાં રહેતા અને ગુજરાત કૉલેજના બાયોલોજી વિભાગમાંથી સેવાનિવૃત્ત થયેલા અરવિંદભાઈ નાઈક નગરી હોસ્પિટલમાં છેલ્લાં સાત વર્ષથી નિઃશુલ્ક વાચનાલય ચલાવે છે. ગુજરાતી અને અન્ય ભાષાનાં ૫૦ જેટલાં મેગેઝિન ઉપરાંત પુસ્તકો તેઓ હોસ્પિટલમાં આવતા દર્દીઓનાં સગાંને ફ્રીમાં વાંચવા આપે છે. હવે તો તેમની આ પ્રવૃત્તિથી વાકેફ અનેક લોકો પોતાના ઘેર આવતાં મેગેઝિન ભેટ આપી જાય છે.

વાચનાલય શરૂ કરવાનો હેતુ જણાવતા અરવિંદભાઈ કહે છે, “૧૯૬૬માં મારી માનું આંખનું ઓપરેશન આ હોસ્પિટલમાં થયેલું. સાજા થયા પછી અચાનક તેમને અંધાપો આવી ગયો જે ૧૫ વર્ષ સુધી રહ્યો. દરમિયાન મારી માતાએ મને કોઈ દવાખાનામાં જઈને સારું કામ કરવા કહેલું. મેં પણ નિવૃત્તિ બાદ ક્લબ કે બગીચામાં બેસીને સમય પસાર કરવા કરતાં કંઈક ક્રિએટિવ કરવાનું નક્કી કર્યું હતું. આથી અહીં વાચનાલય શરૂ કર્યું. આજે અનેક લોકો તેનો લાભ લઈ રહ્યા છે તેનો આનંદ છે.” તેઓ અન્ય હોસ્પિટલોમાં પણ આવી લાઈબ્રેરી શરૂ કરવા માગે છે.

You might also like