એન્ડરસનને દ્રાક્ષ ખાટી લાગી: ‘અનુકૂળ પીચને કારણે વિરાટ રન બનાવી રહ્યો છે’

મુંબઈઃ વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય કરિયરમાં ભલે શાનદાર ફોર્મમાં રમી રહ્યો હોય, પરંતુ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને તેના પર કટાક્ષ કરતાં કહ્યું કે, ”જો ભારતીય કેપ્ટનની ટેકનિકલ ખામીઓ ઉઘાડી ના પડી રહી હોય તો તેનું કારણ અનુકૂળ ભારતીય પીચ છે, જેમાં ગતિ અને મૂવમેન્ટની ખામી છે.” એન્ડરસને ૨૦૧૪માં રમાયેલી શ્રેણી દરમિયાન કોહલીને ઘણો પરેશાન કર્યો હતો. એ શ્રેણીમાં વિરાટ ઓફ સાઇડની બહાર જતાં બોલ પર સતત આઉટ થઈ રહ્યો હતો. વર્તમાન શ્રેણીમાં જોકે ૬૦૦થી વધુ રન ફટકારીને કોહલીએ અંગ્રેજ ખેલાડીઓને વામણા સાબિત કરી દીધા છે.

એન્ડરસનને જ્યારે પૂછવામાં આવ્યું કે કોહલીની ટેકનિકમાં કેવો ફેરફાર થયો છે? ત્યારે એન્ડરસને કહ્યું, ”મને નથી લાગતું કે તેનામાં કોઈ ફેરફાર થયો હોય. મને ફક્ત એટલું જ લાગે છે કે તેનામાં રહેલી ટેકનિકલ ખામીઓ અહીં નજરે નથી પડી રહી. ભારતીય વિકેટોએ સમીકરણ બદલી નાખ્યાં છે. પીચમાં એટલી ગતિ નથી કે બોલ બેટનો કિનારો લે, જેવું અમે ઈંગ્લેન્ડમાં વધારે મૂવમેન્ટ સાથે વિરાટ વિરુદ્ધ કર્યું હતું.”

ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના સૌથી સફળ બોલર એન્ડરસને ચોથી ક્રિકેટ ટેસ્ટના ચોથા દિવસની રમત પૂરી થયા બાદ કહ્યું, ”ગતિ અને મૂવમેન્ટ ના હોય તેવી પરિસ્થિતિમાં રમવા વિરાટ ટેવાયેલો છે. તે સ્પિન બોલિંગ સામેનો ઘણો સારો ખેલાડી છે. જો તમે સચોટ ના હો અને મળેલી તકનો ફાયદો ના ઉઠાવી શકો તો વિરાટ તમને પરેશાન કરશે જ.”

home

You might also like