અનંત ચતુર્દશીએ શ્રીજીની પ્રતિમાના વિસર્જન માટે 34 કુંડ બનાવાયા

અમદાવાદ: આવતા રવિવારે અનંત ચતુર્દશી હોઈ દુંદાળાદેવ ગણેશજીની મૂર્તિની દશ દિવસ માટે પ્રતિષ્ઠા કરનારા ભક્તો દ્વારા શ્રદ્ધા અને ભાવપૂર્વક વિસર્જન કરાશે, જોકે આ વખતે હાઈકોર્ટ દ્વારા સમુદ્ર, નદી કે તળાવમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન પર પ્રતિબંધ લગાવાયો હોઈ તંત્ર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના બંને કાંઠે અને અન્ય સ્થળોએ મળીને કુલ ૩૪ નાના-મોટા કુંડ બનાવાયા છે.

એક અંદાજ પ્રમાણે આ તમામ કુંડમાં આશરે ૮થી ૧૦ હજાર મૂર્તિ વિસર્જન માટે લવાશે. સાબરમતી નદીમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન માટે હાઈકોર્ટના આદેશથી પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામાથી પૂર્ણ પ્રતિબંધ લાગ્યો છે એટલે તંત્ર દ્વારા કુંડની સંખ્યામાં સતત વૃદ્ધિ કરાતી ગઈ છે અને હવે શહેરમાં કુલ ૩૪ નાના-મોટા કુંડ શ્રીજી ભક્તોની સુવિધા માટે બનાવાયા છે.

સત્તાવાળાઓ દ્વારા ગણેશજીની મોટી મૂર્તિના વિસર્જન માટે ૬૫ ફૂટ લાંબા અને ૮ ફૂટ ઊંડા કુંડ રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે વલ્લભસદન અને એનઆઈડી ખાતે બનાવાયા છે. પૂર્વ કાંઠે પણ છ મોટા કુંડ બનાવાયા છે. રામોલ-હાથીજણમાં એક પ્લોટમાં કુંડનું નિર્માણ કરાયું છે.

વટવા, વસ્ત્રાલ, દેવકી ગાર્ડન પર પણ કુંડ તૈયાર કરાયા છે. રિવરબ્રિજ પર નદીમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા ક્રેન નહીં મુકાય, પરંતુ કુંડ માટે ૩૦ ક્રેનની વ્યવસ્થા ઊભી કરાશે. પ્રત્યેક કુંડમાં આસિસ્ટન્ટ ઈજનેર સહિત પાંચ ‘કુશળ’ મ્યુનિસિપલ સ્ટાફને તહેનાત કરાશે.

તેમજ ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર સ્તરના ઉચ્ચ અધિકારી દ્વારા વિસર્જન વ્યવસ્થાનું ખાસ કન્ટ્રોલરૂમ બનાવીને મોનિટરિંગ કરાશે. કુંડને પાણીથી છલોછલ રાખવા પંપ મુકાશે તેમજ ટેન્કરથી પણ પાણી ભરાશે. તમામ કુંડમાં વિસર્જિત કરાયેલી મૂર્તિને તેની સામેના પંડાલમાં લઈ જવાશે અને ત્યાર બાદ કોતરપુર ખાતે તેનું વિસર્જન કરાશે.

You might also like