‘‘સૌના સાથ સૌના વિકાસ’’ની આપૂર્તિ કરનારૂં બજેટ-આનંદીબેન પટેલ

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આજે રજૂ થયેલા રેલવે અંદાજપત્રને દેશના સામાન્યમાં સામાન્ય નાગરિક મૂસાફરોની સુખ-સુવિધા ધ્યાને રાખીને રજૂ થયેલું જનસુવિધાલક્ષી બજેટ ગણાવ્યું છે.

આનંદીબહેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રેલમંત્રી સુરેશ પ્રભુએ સંસદમાં પ્રસ્તુત કરેલા રેલવે બજેટમાં સ્વચ્છતા-સફાઇ અને મહિલા યાત્રી સલામતિ, વરિષ્ઠ નાગરિકોની સુવિધા અને નાના બાળકો માટે જે વિશેષ જાહેરાતો કરવામાં આવી છે તે ‘‘સૌના સાથ સૌના વિકાસ’’ માં સૂર પૂરાવે છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે.

તેમણે ગુજરાત માટે આ બજેટમાં જે જાહેરાતો થઇ છે તેમાં અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ કોરિડોર જાપાનની સહાયથી નિર્માણાધિન છે તે માટે એસ.પી.વી. ની રચના, વડોદરાને રેલવે યુનિવર્સિટી, અમદાવાદને સબ અર્બન ટ્રેન, દ્વારકાનો આસ્થા સરકીટમાં સમાવેશ કરીને રેલવે સ્ટેશનને સુવિધાસભર બનાવી પ્રવાસન યાત્રિકોની વધુ સગવડનો વિકાસ. નારગોલ હજિરા પોર્ટ કનેકટીવીટી પી.પી.પી. ધોરણે વગેરે માટે રેલવેમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો.

આનંદીબેન પટેલે સામાન્ય મુસાફરો માટે આ વર્ષના રેલવે બજેટમાં અંત્યોદય એકસપ્રેસ તથા ઉચ્ચ-મધ્યમવર્ગીય યાત્રીકો માટે તેજસ, ઉદય અને હમસફર એકસપ્રેસ જેવી સુવિધાલક્ષી ટ્રેનોની જાહેરાતને તથા ટ્રેનમાં SMS દ્વારા સફાઇ-સ્વચ્છતાની જનહિત સગવડને નવી પહેલરૂપ ગણાવી હતી.

તેમણે ઉમેર્યું કે રેલવે લાઇન સમાંતર-આસપાસમાં હરિયાળી વિકસાવવાની નવી બાબત પર્યાવરણ રક્ષા અને સ્વચ્છ-સ્વસ્થ ભારતને પણ સાકાર કરશે જ. આનંદીબહેને આ રેલવે બજેટ ‘કલીન ઇન્ડીયા-સ્વચ્છ ભારત’નું સપનું રેલવે યાત્રા-રેલવે સ્ટેશનોની સાફ-સફાઇ ચોખ્ખાઇ દ્વારા અવશ્ય પાર પડશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

You might also like