હેપ્પી બર્થ ડે સીએમ: આનંદીબહેનનો 75મો જન્મદિવસ

અમદાવાદઃ ગુજરાત રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલનો આજે 75મો જન્મદિવસ છે. ખેડૂતપુત્રીમાંથી શિક્ષક અને શિક્ષકમાંથી રાજ્યનાં પ્રધાન અને ત્યાર બાદ મુખ્યપ્રધાન બનેલા આનંદીબહેન પટેલ હાલ મહાનગર પાલિકા તથા તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીના સૌપ્રથમ પડકારનો સામનો કરી રહ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનતાં ૨૨ મે, ૨૦૧૪ના રોજ રાજ્યનાં પ્રથમ મહિ‌લા મુખ્યપ્રધાન તરીકે શાસનની ધૂરા સંભાળી છે. અગાઉ તેમણે વિવિધ ખાતાના પ્રધાન તરીકે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. હાલમાં ચૂંટણી આચારસંહિતા અમલી હોઈ ભાજપ પક્ષ તરફથી આજના દિવસે કોઈ જાહેર ઉજવણી થશે નહીં, પરંતુ ભાજપ કાર્યકર્તાઓ આજે અમદાવાદની આંગણવાડીઓની મુલાકાત લઈને બાળકોને ફ્રૂટ અને મીઠાઈનું વિતરણ કરશે.

આનંદીબહેન પટેલનો જન્મ ૨૧ નવેમ્બર, ૧૯૪૧ના રોજ વિજાપુર તાલુકાના ખરોડ ગામે થયો. તેમણે M.Sc., M.Ed. સુધી શિક્ષણ લીધું છે. ૧૯૬૮માં મોહિ‌નાબા કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકે તેમણે જીવનની પ્રથમ કારકિર્દી શરૂ કરી હતી. ૧૯૮૮માં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાજ્યપાલ-રાષ્ટ્રપતિનો એવોર્ડ પ્રાપ્ત કર્યો, ૧૯૮૭થી ૧૯૯૩ સુધી ભાજપના મહિ‌લા મોરચાના અધ્યક્ષા તરીકે કાર્યરત હતા. ૧૯૯૨થી ૧૯૯૮ સુધી રાજ્યસભાના સભ્ય હતા. ૧૯૯૮માં માંડલથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે વિજય મેળવ્યો અને શિક્ષણ-મહિ‌લા બાળકલ્યાણના કેબિનેટ પ્રધાન બન્યા, ૨૦૦૨થી ૨૦૧૨ દરમિયાન પાટણથી બે ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ૨૦૧૨માં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારથી ચૂંટણી જીત્યાં હતા.

You might also like