23 એપ્રિલ સુધી હીરાની હેરફેર નહીં કરવાના નિર્ણય પર આંગડિયા અડગ

આચારસંહિતના કારણે ૨ લાખથી વધુની રકમ કે તેનાથી વધુની કિંમતનો માલની હેરફેરના નિયમનો કડક અમલ શરૂ થઈ ચૂક્યો છે. જેની સૌથી મોટી અસર આંગડિયા પેઢીઓને થઈ છે. રોકડ કે હીરા જવેરાતની હેરફેર કરતાં આંગડિયાઓ પર એક અઠવાડિયામાં થયેલી કાર્યવાહીઓના કારણે ૨૩ એપ્રિલ સુધી આંગડિયા પેઢીઓમાં વેકેશન પડી જવાની જાહેરાતે હીરા ઉદ્યોગને ચિંતામાં મૂકી દીધો છે.

આચારસંહિતાના કારણે ચેકિંગ કામગીરી અને આવકવેરાના દરોડાને લઈનેસુરતની ૭૦ જેટલી આંગડિયા પેઢીએ ૨૩ એપ્રિલ સુધી શટર પડી દેતાં અમદાવાદ સહિત અન્ય રાજ્યમાં હેરફેર થતાં ડાયમંડના પાર્સલ અટવાયાં છે આંગડિયા પેઢીઓ દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે માલ મોકલનાર અને રિસિવ કરનાર બંને પાર્ટીએ પાર્સલ પર જીએસટી નંબર લખવા પડશે જીએસટી નંબર નહીં હોય તો પણ નંબર લખવો પડશે.

એ સિવાય તેઓ પાર્સલ ઉઠાવશે નહીં. ડાયમંડ એસોસીએશન અને આંગડિયા પેઢી વચ્ચેની મિટિંગ નિષ્ફ્ળ રહી છે. સુરતથી રાજ્યનાં અન્ય સ્થળોએ અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં જોબવર્ક માટે મોકલવામાં આવતા ડાયમંડના પાર્સલની રવાનગી બંધ રહેશે તો રત્નકલાકારોના કામને અસર થશે એટલુંજ નહીં ટ્રેડિંગ બિઝનેસ પણ ઠપ થશે.

સુરત ડાયમંડ એસો.ના પ્રમુખ બાબુ ગુજરાતીના જણાવ્યાનુસાર,ગઈકાલે મળેલી મિટિંગમાં કોઈ ઉકેલ આવ્યો નથી. સુરતમાં કાચા અને પાકા હીરાની હીરાની હેરફેર આંગડિયા મારફતે થાય છે. સુરતમાં કુલ ૩૨માંથી ૫ાંચ પેઢીઓ મોટી છે. આંગડિયાનાં વેકેશનની જાહેરાતથી તૈયાર અને કાચા માલની હેરફેરની ચિંતા ડાયમંડ બજારમાં ઊભી થઈ છે. આજથી વેકેશનનાે અમલ કરવા ડાયમંડ ઉદ્યોગકારોને કહેવાયું છે.

આંગડિયા પેઢી મારફતે મોકલાતા હીરાની વેલ્યુ આંગડિયાઓને ખબર નહીં હોવાનું સામે આવ્યું હતું. આંગડિયા પેઢીના અગ્રણીઓ પર હાલમાં ચાલી રહેલા આઈટી સર્વેને કારણે આંગડિયા કર્મીઓમાં ભયનો માહોલ છે. ૨ લાખથી વધુની માલ કે રોકડાની હેરફેર પર વિભાગ દ્વારા મની લોન્ડરિંગ એક્ટની ભય પણ સતાવાય છે.

આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા બે આંગડિયા પેઢીને ત્યાં હાથ ધરાયેલા દરોડામાં હજી મહત્વની કડી મળી નથી. રૂપિયા કયાંથી આવ્યા અને કોણ ડિલિવરી લેનાર હતું શોધી શકાયું નથી. આ અંગે અમદાવાદ ડાયમંડ એસોસીએશનનાં સૂત્રોએ જણાવ્યું હતું કે સુરત જ ડાયમન્ડ માટેનું મુખ્ય માર્કેટ છે અમદાવાદનો મોટા ભાગનો બિઝનેસ સુરત સાથે સંકળાયેલો છે એટલે અહીંના માર્કેટ માં પણ એટલીજ તકલીફ પડશે થોડા સમય માટે વ્યવહારો અટકી જશે એટલે ધંધામાં નુકસાન જશે.

You might also like