આણંદની ચૂંટણીમાં દરેક જગ્યાએ ભગવો લહેરાશેઃ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ

નડિયાદ: આણંદ જિલ્લા પંચાયત, પાંચ નગરપાલિકાઓ તેમજ આઠ તાલુકા પંચાયતોની ચૂંટણી આગામી તા.૨૯ નવેમ્બરે યોજાનારી છે. જેના ભાગરૂપે આણંદના અક્ષર ફાર્મ ખાતે યોજાયેલી ભાજપની ચૂંટણી પ્રચાર સભાને સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાની તમામ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે. રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાઓમાં ભાજપના શાસનકાળમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વિકાસકામોને લઈને રાજ્યની છ મહાનગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાશે અને કોંગ્રેસની હેસિયત નથી કે તે એકપણ મહાનગરપાલિકામાં શાસન સંભાળી શકે.

ભાજપનું સંગઠન છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકાર અને ભાજપશાસિત નગરપાલિકાઓમાં કરેલા કામોનું સરવૈયું તેમજ સાંસદો દ્વારા ગામે ગામ સંપર્ક કરીને કરાયેલા વિકાસકામોને કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકો ભાજપને જ મત આપવાના છે અને ભાજપનો ભગવો ચોક્કસથી લહેરાશે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કાર્યકરોને આવકારતા તેમણે જણાવ્યું હતું કે, વર્ષો સુધી કોંગ્રેસ પક્ષનું કામ કરનારા પાયાના કાર્યકરોની અવગણના અને કોઈ કામો નહીં કરવાના કારણે તેઓ કોંગ્રેસ છોડી ભાજપના વિકાસકાર્યોને જોઈને ભાજપમાં જોડાયા છે. વર્ષ-૨૦૦૧માં નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે રાજ્યનું શાસન સંભાળ્યું ત્યારથી લઈને આજદિન સુધી રાજ્યમાં વિકાસના કામો થયા છે. આણંદ શહેરમાં પણ ખુબ જ વિકાસ થયો છે.

જેઓએ ૧૫ વર્ષ પહેલાનું આણંદ જોયું હશે અને આજનું આણંદ જોતા કેવો વિકાસ થયો છે તે જોઈ શકાશે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૧૦થી લઈને ૨૦૧૫ સુધીમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા આણંદ નગરપાલિકાને ૩૩૦ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. જેનાથી શહેરમાં વિવિધ વિકાસના કામો થયા છે. તેમજ ઉમરેઠ, ખંભાત, બોરસદ, પેટલાદ સહિતની નગરપાલિકાઓમાં ૬૫૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેનાથી નગરજનોને ગટર, પાણી પુરવઠા યોજના અને અને સારા રસ્તાઓ તેમજ શાળાઓમાં નવા ઓરડાઓ અને આધુનિક શિક્ષણ માટે કોમ્પ્યુટર આપવામાં આવ્યા છે. અને આગામી પાંચ વર્ષમાં આનાથી પણ વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જેનાથી અધુરા કામો પુરા થાય અને વધુ વિકાસના કાર્યો પુરા થાય તેવા પ્રયાસો કરાશે. આ પ્રસંગે જિલ્લાના તમામ અગ્રણીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી આનંદીબેન પટેલની જાહેરસભાનો સમય સવારે ૧૦ કલાકનો હતો. પરંતુ સભાના સ્થળે લોકોની ભીડ એકત્ર થઈ નહોતી અને ખુરશીઓ ખાલી રહેતા ભાજપના જિલ્લાના નેતાઓએ દોડાદોડ કરી હતી અને વિવિધ ગામોમાં ફોન કરીને કાર્યકરોને સભાના સ્થળે લાવવા જણાવ્યું હતું ત્યારે માંડ-માંડ ભીડ એકત્ર થઈ હતી. જોકે, અપેક્ષા મુજબની ભીડ ન થતાં સભાસ્થળે ગોઠવાયેલી ખુરશીઓ ઉઠાવી લેવી પડી હતી.

You might also like