ચીનમાં શી જીનપીંગનો દબદબો શું સૂચવે છે ?

ઍનાલિસિસ – સુધીર એસ. રાવલ

ચીનમાં શી જીનપીંગનો દબદબો શું સૂચવે છે ?

 

શી જીનપીંગ ફરી સત્તારૃઢ કોમ્યુનિસ્ટ પાર્ટીનાં પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાની દર પાંચ વર્ષે એક જ વાર યોજાતી આવી બેઠકમાં નવા નેતૃત્વની ચૂંટણી થાય છે. જેમાં પાર્ટીના પ્રમુખ સહિત પોલીટ બ્યૂરોનાં સભ્યોને ચૂંટવામાં આવે છે. આમ જોઈએ તો શી જીનપીંગ ફરી ચૂંટાઈ આવશે તે તો નિશ્ચિત જ હતું. પરંતુ પોલીટ બ્યૂરોમાં કોણ કોણ આવે છે, તે જીજ્ઞાસાપ્રેરક હતું, કારણ કે, આ જ નેતાઓ ચીનનાં શાસનતંત્રને દિશા આપે છે અને ચીનનાં રાષ્ટ્રપતિને દરેક નીતિઓ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે.

શી જીનપીંગની વાત કરીએ તો ર૦૧રમાં રાષ્ટ્રપતિ બનેલા શી સેનાનાં અધ્યક્ષ અને પાર્ટીના મહાસચિવ પણ છે. પોલીટ બ્યૂરોનાં મુખ્ય નેતાને મહાસચિવનો હોદ્દો અપાય છે. જે બીજા પક્ષોમાં પ્રમુખ પણ કહેવાય છે. શી જીનપીંગની શાખ ચીનમાં એક મજબૂત નેતા તરીકેની છે. લોકમાનસમાં તેમની છબી ગુણવાન નેતૃત્વ, રણનીતિક ઈચ્છાશક્તિ અને સમસ્યાઓ ઉકેલવાનાં સાહસની બાબતમાં ખૂબ ઉજળી છે. આ વખતની ચૂંટણીમાં સૌથી મહત્વની બાબત એ રહી કે સંમેલનનાં છેલ્લા દિવસે શી જીનપીંગની વિચારધારાને પક્ષનાં બંધારણમાં સામેલ કરવાની મંજૂરી આપી દેવામાં આવી. ઉલ્લેખનીય છે કે આજ સુધી પાર્ટનાં બંધારણમાં માત્ર માઓત્સેતુંગ અને તેમનાં ઉત્તરાધિકારી દેંગ શીઆયોપિંગની વિચારધારા જ છે. દેંગનાં વિચારોને તેમનાં મૃત્યુ બાદ બંધારણમાં દાખલ કરાયા હતા. આ દર્શાવે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં શી જીનપીંગનો પ્રભાવ કેટલો પ્રબળ બની ચૂક્યો છે, જે મહદ્દ અંશે કોમ્યુનિસ્ટ પાર્ટીમાં હવે નિર્વિવાદ બની ચૂક્યો છે.

શી જીનપીંગને વ્યક્તિગત દૃષ્ટિએ જોઈએ તો ર૦૧રમાં તેઓ જ્યારે મહાસચિવ તરીકે ચૂંટાયેલા પ્રથમવાર ચૂંટાયેલા ત્યારે પોલીટ બ્યૂરોનાં સભ્યો તેમની પસંદનાં જ નહોતા, પરંતુ પાર્ટીના અલગ અલગ જૂથોમાંથી આવતા નેતાઓ હતા. આમરાય બનાવવાની કવાયતમાં જ તેઓ મુખ્ય નેતા તરીકે ઊભરી આવેલા. તે સમયે ત્યારનાં સૌથી શક્તિશાળી નેતા કોશીલાએને ભ્રષ્ટાચારનાં આરોપો થકી જ દૂર હડસેલી દેવાયેલા. શી જીનપીંગની પોતાની વિશેષ ઓળખ પણ નહોતી અને તેમની બીજી પત્ની ફંગ લીયુઆનનાં કારણે વધારે ઓળખાતા હતા. તેમની પત્ની ૧૯૮૬માં તેમને મળી તે પહેલાં લોકગાયક તરીકે સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકી હતી.

જીનપીંગના પાંચ જ વર્ષનાં કાર્યકાળમાં ચીન આશ્ચર્યજનક રીતે વિશ્વમાં બીજા નંબરની આર્થિક મહાસત્તા તરીકે ઊભરી ચૂક્યું છે. તે હકીકત છે અને શી જીનપીંગ વિશ્વના શક્તિશાળી નેતાઓમાંના એક ગણાય છે. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન તેમણે દેશનાં કેટલાય કદાવર પરંતુ ભ્રષ્ટાચારી નેતાઓને કાં તો હાંસિયામાં ધકેલી દીધા છે, યા તો પોતાના વફાદાર બનાવી દીધા છે અને કેટલાકને શિસ્તનાં દંડાથી સીધાદોર કરી દીધા છે. અંદાજે ૧પ લાખ જેટલા અધિકારીઓ પર ભ્રષ્ટચારના કારણે શિસ્તભંગનાં પગલાં લીધા છે યા તો તપાસ શરૃ કરી દીધી છે. સંમેલનમાં જ એક તબક્કે જીનપીંગે કહ્યું હતું કે તેમણે માત્ર નાના અધિકારીઓને જ નહિ, મોટા અને ચમરબંધી કહેવાય એવા અધિકારીઓને પણ પાઠ ભણાવ્યો છે. રાજકીય સ્તરે શી જીનપીંગ પછી કમ સે કમ ર૦રરમાં મહાસચિવ તરીકે દાવેદાર ગણાતા સૂન ચંગસાએને શી જીનપીંગ વિરૃદ્ધ ષડયંત્ર કરવાના આરોપસર એક અઠવાડિયા પહેલાં જ પોલીટ બ્યૂરોનાં સભ્ય અને બીજા બધા પદો પરથી હટાવી દેવાયા હતા. હવે જે સભ્યો છે તે બધા જ શી જીનપીંગનાં વફાદારો છે. પોલીટ બ્યૂરો એટલે શી જીનપીંગ અને શી જીનપીંગ એ જ પોલીટ બ્યૂરો !

અલબત્ત એ રીતે જોઈએ તો ચીનને વિકાસની બાબતમાં, અર્થતંત્રની પ્રગતિમાં અને સંરક્ષણ સહિતની તમામ બાબતોમાં આગળ વધવામાં આંતરિક અડચણો ઓછી નડશે. ચીનનો વિકાસદર જે છેલ્લા કે કવાટર્રમાં ૬.પ ટકાના લક્ષ્યાંક કરતા વધારે ૬.૮ ટકા રહ્યો, તેનાં કારણે શી જીનપીંગની વનબેલ્ટ વનરોડ જેવી નૂતન પહેલોને પણ ચીન આસાનીથી આગળ વધારી શકશે. આજકાલ ચીન રસ્તાઓનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નેટવર્ક વધારવામાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેનાં કારણે દુનિયાનાં દેશો વચ્ચે તેનું કેન્દ્રવર્તી મહત્વ પેદા થશે અને લાખો લોકોને રોજગારી સહિતનાં અનેક લાભો મેળવવામાં ચીનનાં પ્રયાસો તેના પોતાના માટે ખૂબ લાભકારી સાબિત થનાર છે, જેની શક્યતાઓ વધુ ઉજળી બની છે.

શી જીનપીંગ અત્યંત મહત્વકાંક્ષી અને એકાધિકારવાદી નેતા છે. અત્યારથી જ ચીનમાં તેમના ત્રીજા કાર્યકાળની વ્યૂહરચના તેઓ અમલમાં મૂકી દેનાર નેતા છે. પાછલા પાંચ વર્ષ દરમ્યાન ચીનનાં રાજ્યોમાં ૪૭ મહત્વના પદો પર તેમણે પોતાના વફાદારોની નિમણૂક બેરોકટોક કરી નાખી હતી. એમાં ર૭ ગવર્નર અને ર૦ રાજ્યોનાં સચિવો સામેલ હતા. જેમને હટાવી દેવાયેલા એમાંથી કેટલાકને ઉંમરના કારણે, કેટલાકને બિનકાર્યક્ષમતાનાં કારણે, કેટલાકને ગેરશિસ્તના તો કેટલાકને ભ્રષ્ટાચારના કારણે હટાવેલા.

જ્યાં સુધી ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ તરીકે શી જીનપીંગ વચ્ચેનાં સંબંધો કે શાસકીય સમીકરણોની વાત છે ત્યારે નોંધવું રહ્યું કે પાછળની ત્રણ મુલાકાતો દરમ્યાન ધરતી પરની તંગ પરિસ્થિતિઓની વાસ્તવિકતાઓ વચ્ચે પણ બંને નેતાઓએ પ્રત્યેક તબક્કે સંયમ અને સમતોલ વ્યવહાર દાખવવામાં

ઉત્કૃષ્ટતા દાખવેલી. બંને નેતાઓએ પ્રયત્નપૂર્વક નિશ્ચિત કર્યું હતું કે મતભેદો ગંભીર વિવાદોનું સ્વરૃપ ન લે અને કૂટનૈતિક સ્તરે કૂનેહપૂર્વક સમયાંતરે સપાટી પરનાં મતભેદો દૂર કરવા સંનિષ્ઠ પ્રયાસો કરેલા બંને દેશો વચ્ચે રહેલી સામ્યતા એ છે કે ભારત અને ચીન બંને વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થા છે અલબત્ત બે શક્તિશાળી અર્થતંત્ર અને સાથે પરિવર્તનશીલ સમાજો છે, જે બંને દેશ સમજે છે અને એટલે જ ભલે મતભેદો સર્જાતા હશે, પરંતુ તે યુદ્ધ સુધી પહોંચી જાય તે વાતમાં માલ નથી. બંને નેતાઓ મહત્વાકાંક્ષી, પ્રભાવશાળી, નિર્ણય શક્તિ ધરાવનાર તથા જનસમર્થન પ્રાપ્ત એવા નેતાઓ હોવાથી દેશોમાં બંનેનું નેતૃત્વ પણ સર્વસ્વીકૃત અને રાજકીય સ્થિરતા પણ ચોક્કસ હોવાથી વિકાસ પ્રક્રિયામાં પણ બંને દેશો એકબીજાનાં વિરોધી રહેવાનાં બદલે સહયોગી હોવામાં જ પોતાનાં જ દેશનું હિત સમજે, તે સમજી શકાય એવી વાત છે.

બંને દેશોનાં સમાજમાં જે ફર્ક છે તેમાંનો એક એ છે કે ચીનમાં ભારતની જેમ બધા રાજકારણની ચર્ચામાં રસ લેતા નથી. ત્યાં લોકશાહી ન હોવાના કારણે રાષ્ટ્રપતિ કે મહાસચિવ જેવી ચૂંટણી સમયે પણ લોકો પોતાના કામમાં જ મોટાભાગે મસ્ત અને વ્યસ્ત રહે છે દાયકાઓથી એક જ પક્ષની વ્યવસ્થા હોવાના કારણે લોકોમાં એક પ્રકારની ઉદાસીનતા કહી શકાય એવી નિર્લેપ માનસિકતા જોવા મળે છે ત્યાંનાં ભારતીયોમાં શી જીનપીંગના ફરી ચૂંટાવાની બાબતથી ખુશીની લહેર પ્રસરી છે. ત્યાં વસતા ભારતીયોનું માનવું છે કે જીનપીંગનાં વધુ શક્તિશાળી બનીને ફરી ચૂંટાઈ આવવાથી ભારત અને ચીનનાં સંબંધો દરેક સ્તરે વધુ ગાઢ બનશે. ભારતમાં મોદી, ચીનમાં જીનપીંગ અને જાપાનમાં ફરી ચૂંટાઈ આવેલા શીંજો આબેનાં કારણે એશિયાઈ દેશોની રાજકીય સ્થિરતા અને પ્રગતિ વધારે સુનિશ્ચિત બનશે. આના કારણે એશિયા ખંડનું પ્રાદેશિક સંતુલન, સમન્વય અને વિકાસકેન્દ્રી રાજનીતિમાં પણ ઉત્સાહવર્ધક પરિણામો પ્રાપ્ત થશે એવા સંજોગો ઉજળા બન્યા છે.

ત્યાં વસતા ભારતીયોને એ જાણવાની જીજ્ઞાસા છે કે અનેક મુશ્કેલીઓ દબાણો અને પડકારો વચ્ચે પણ ચીન જે રીતે વિકાસનાં એજન્ડાને વળગી રહ્યંુ છે, એટલું જ નહિ વિશ્વની મહાસત્તાઓ સામે અડગ બનીને ઊભું છે તે કઈ રીતે શકય બની શકયુ હશે? આજે અમેરિકા અને યુરોપ સહિત દુનિયાનાં મોટાભાગના દેશો આર્થિક મોરચે અનેક પ્રકારનાં પડકારો સામે ઝઝૂમી રહ્યા છે, જ્યારે ચીન પોતાની નીતિઓ યોજનાઓને સફળતાપૂર્વક  અમેરિકા જેવા દેશો સામે

ટક્કર લઈ શકે તે રીતે આગળ વધારી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ જે રીતે ચીનનો પ્રભાવ વધ્યો છે તેનો યશ શી જીનપીંગનાં નેતૃત્વને જાય છે.

જો કે જીનપીંગ શક્તિશાળી બનીને ફરી ઊભરી આવ્યા. તે તેમનાં જ દેશનાં અને દુનિયાના માનવ અધિકાર ક્ષેત્રે સક્રિય કાર્યકર્તાઓને જરા પણ ગમ્યુ નથી. તેમને શંકા છે કે જીનપીંગ તેની નવી ઈનિંગમાં એમના પર દમનકારી પગલાંઓ ભરશે. ર૦૧રમાં રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ સિવિલ સોસાયટી પર દબાણ વધારતા જ રહ્યા છે. ચીનમાં પ્રદર્શન કરનારાઓ, માનવાધિકાર સમર્થકો, વકીલો, શિક્ષકો અને બ્લોગરોને વાતવાતમાં નિશાન બનાવાયેલા છે. જીનપીંગે કોમ્યુનિસ્ટ પાર્ટીનાં આ સંમેલનમાં સ્પષ્ટ કહી દીધુ છે કે હવેનાં નવા યુગમાં દેશની બાબતોમાં અને સરકારી નિયંત્રણોમાં કોઈ જ ઢીલ રાખવામાં નહિ આવે. ર૦પ૦ સુધીમાં ચીનને વૈશ્વિક મહાસતા અને મહાશક્તિ બનાવવાનાં તેમના સંકલ્પને સાકાર કરવા માટે સામાજિક તંગદિલી કે સમસ્યાઓમાં કાયદાનાં શાસનને તેઓ ક્યાંય શિથિલ થવા નહિ દે, તેવો નિર્ધાર પણ વ્યક્ત કરી જ દીધો છે. હોંગકોંગ અને તાઈવાનની સ્વતંત્રતાનું બ્યૂંગલ વગાડનારાઓને પણ સાનમાં સમજી જવા ચેતવણી આપી દીધી છે. ચીનમાં તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષાના નામે ઈન્ટરનેટ નિયંત્રણનાં કેટલાય કડક કાયદાઓ અમલી બનાવાયા છે અને સરકારી નીતિઓની ટીકા કરવાવાળાઓ સામે નજીવા કારણોસર રાષ્ટ્રીય સુરક્ષાનાં બહાને ધરપકડો અને કાયદાકીય કાર્યવાહીઓ થઈ છે, તે વધુ આગળ વધશે, તેવી આશંકાઓ પણ આમ નાગરિકોમાં ફેલાઈ છે.

વૈશ્વિક સ્તરે જોઈએ તો દુનિયાભરમાં આજકાલ કડક નેતાઓનું વર્ચસ્વ વધતુ જાય છે. ૧૯૯૯થી શરૃ કરીઓ તો રશિયાનાં વ્લાદિમીર પુટિન હોય, ર૦૦૩માં તુર્કીના રાષ્ટ્રપતિ તરીકે સત્તારૃઢ થયેલા રેસેય તૈયપ એર્દોગાન હોય, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, ફિલીપાઈન્સનાં રોડ્રીગો દુર્તેતે હોય, અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ હોય, જાપાનના શીંજો આબે હોય કે છેલ્લે ચીનનાં શી જીનપીંગ હોય, મહદ્અંશે મિજાજ અને કાર્યપદ્ધતિમાં ઘણી સમાનતા હોય એવા નેતાઓનો વૈશ્વિક રાજકારણમાં દબદબો વધતો જાય છે, તેની પણ ખાસ નોંધ લેવી રહી.

લેખક રાજકીય વિશ્લેષક છેઃ

તેમનું મેઇલ આઇડી – sudhirsraval@gmail.com

———————————–.

You might also like