અંગિરા ઋષિના તપથી રચાયો અનોખો અંગારકી ચોથનો યોગ

ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે.

અંગારકી ચોથના દિને ગણપતિ બાપાના દર્શન કરવા એક અનેરો લ્‍હાવો બની રહે છે. જેથી આ દિને મુંબઇના સિદ્ધિ વિનાયક, અષ્‍ટ વિનાયકના મંદિરો, ગણેશપુરા કાલાવડના સંપડા સહિતનાં ભારતભરના વિવિધ સ્‍થળોનાં ગણેશ મંદિરોમાં ભક્‍તોના ધાડેધાડાં ઊતરી પડશે.

પૌરાણિક માન્‍યતા અનુસાર અંગારકી ચોથ સાથે પણ એક ધાર્મિક માન્‍યતા સંકળાયેલ છે. આવો આપણે જોઇએ… કહેવાય છે કે ભારદ્વાજ ઋષિ ગણેશજીના પરમ ભક્‍ત હતા. તો તેમના પુત્ર અંગિરા ઋષિ પણ પિતાના પગલે ગણેશજીના ભક્‍ત બન્‍યા. અને માત્ર ભક્‍ત નહી પરંતુ અનન્‍યભાવથી વિધ્‍નહર્તાની ભકિત કરવા લાગ્‍યા તેમની તપસ્‍યા અને ભાવ જોઇને ભગવાન ગણેશ તેમના પર પ્રસન્‍ન થયા અને તેમને એક વરદાન માંગવાનું કહ્યું.

આ વેળાએ અંગિરા ઋષિએ ભારે નમ્રતાથી તેમણે તેમની સાથે તેમનું નામ જોડવા માગ્યું. ભગવાન ગણેશ આ સાંભળી સહેજ હસ્‍યા આ દિવસે કૃષ્‍ણા ચર્તુથી હતી. આથી આ દિવસથી યોગ અને સંયોગ જોઇને વદ ચર્તુથી અને મંગળવારના દિવસે આવતા યોગ અને અંગારકી સંકષ્ટ ચર્તુથી નામ અપાયું. આ ચર્તુથી ચંદ્રોદય સુધીની હોય છે. આ દિવસે ભક્‍તો ઉપવાસ કરીને ભગવાન ગણેશની પૂજા કરીને પારણાં કરે છે.

આજે અંગારકી ચોથના દિને શતતારા નક્ષત્ર છે.વિઘ્નહર્તા દેવ શ્રીગણેશની કૃપા મેળવવા માટે અંગારકી ચોથ ઉત્તમ ગણાય છે. મંગળવાર અને વદ ચોથનો અનોખો સંયોગ થતાં, આ દિવસને અંગારકી સંકષ્ટ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે આમ તો અંગારકી ચોથ સામાન્ય રીતે વર્ષમાં એક કે બે જ વાર આવે છે. સુખકર્તા દુ:ખકર્તા, વિધ્નહર્તા ગણેશજીને નમન…•

ગણેશજી પરિવાર
પિતાઃ ભગવાન શિવ, માતાઃ ભગવતી પાર્વતી
ભાઈઃ શ્રી કાર્તિકેય
બહેનઃ મા સંતોષી (અમુક લોકો માને છે,પ્રમાણિત કરાયેલ નથી)
પત્નીઃ બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
પુત્રઃ બે ૧. શુભ ૨. લાભ
પ્રિય ભોગઃ (મિષ્ઠાન્ન) મોદક

You might also like