વીજકરંટથી બાળકના મોત બદલ બે સામે ગુનો દાખલ કરાયો

અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલ ન્યૂ કોટન સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ આગળ મંડપ બાંધીને ચાલતા જ્યૂશ સેન્ટરમાં ગેરકાયદે લીધેલા વીજજોડાણે છ વર્ષના માસૂમ બાળકનો ભોગ લીધો હતો. આ ચકચારી કિસ્સામાં અમરાઇવાડી પોલીસે વીજજોડાણ આપનાર પાન પાર્લરના માલિક અને જ્યૂશ સેન્ટર ચલાવતા શખ્સ વિરુદ્ધમાં બેદરકારી રાખવા બદલ ફરિયાદ નોંધી છે.

અમરાઇવાડી વિસ્તારમાં આવેલા ન્યૂ કોટન સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ આગળ મંડપ બાંધી શેરડીના રસ અને જ્યૂસનું સેન્ટર ચાલતું હતું.  આ મંડપની બાજુમાં નટવરભાઇ ડાહ્યાભાઇ દંતાણીની પત્ની તારાબહેન હાથલારીમાં જૂનાં કપડાં વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

૮ એપ્રિલના રોજ તારાબહેનનો પુત્ર જયેશ (ઉં.વ ૬) અને પુત્રી રોશની (ઉં.વ ૭) રમતાં હતાં. દરમિયાનમાં મંડપ સાથે જોડાયેલી એક પાઇપને અડતાં જયેશને વીજકરંટ લાગ્યો હતો. આ જોઇ તારાબહેન જયેશને બચાવવા માટે ગયાં ત્યારે તેમને પણ કરંટ લાગ્યો હતો. બંને ઝટકા સાથે દૂર પટકાયાં હતાં, જ્યાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયાં હતાં, જ્યાં જયેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ ઘટનામાં અમરાઇવાડી પોલીસે જ્યૂશ સેન્ટર ધરાવતા બચ્ચનભાઇ લાલભાઇ અને ગેરકાયદે વીજજોડાણ આપનાર આકાશ પાન પાર્લરના માલિક વિકાશ ઉર્ફે વિકી અગ્રવાલ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. બચ્ચનભાઇએ આકાશ પાન પાર્લરમાંથી વીજ કનેક્શન લીધું હતું અને તેમાં કરંટ લાગતાં જયેશે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

You might also like