એક જ વીમા પોલિસીમાં લાઇફ- હેલ્થ ઇન્સ્યોરન્સનું કવચ મળશે

નવી દિલ્હી: હવે એ દિવસો દૂર નથી જ્યારે તમારે અલગથી જીવન વીમો અને સ્વાસ્થ્ય વીમો લેવાની જરૂર નહીં રહે. હવે સ્વાસ્થ્ય અને જીવન બંનેના રક્ષણ માટે એક કોન્સોલિડેટેડ વીમા પોલિસી મળશે, જેમાં એકસાથે સ્વાસ્થ્ય, જીવન અને અકસ્માત જેવું સુરક્ષા વીમા કવચ મળશે.
સરકાર અલગ અલગ વીમા યોજનાઓના સ્થાને એક જ કોન્સોલિડેટેડ વીમા પોલિસી લાવવાનું સક્રિયપણે વિચારી રહી છે. આ સૂચિત યોજના હેઠળ રૂ.બે લાખનો જીવન વીમો અને રૂ.પ૦,૦૦૦થી વધુ રકમનો સ્વાસ્થ્ય વીમો રહેશે. આ યોજનાનો લાભ ગરીબોને વિનામૂલ્યે મળશે, જોકે સાધન સંપન્ન વર્ગને આ માટે રૂ.૧,૦૦૦ સુધીનું પ્રીમિયમ ચૂકવવું પડશે.
નાણાં મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેન્કિંગ અને નાણાકીય સેવા વિભાગ સર્વગ્રાહી અભ્યાસ કરીને તમામ નાગરિકો માટે વિવિધ વીમા યોજનાઓને એક કરીને સર્વગ્રાહી વીમા યોજના તૈયાર કરવા પર વિચારણા કરી રહી છે. હાલ વડા પ્રધાન વીમા યોજના, વડા પ્રધાન સુરક્ષા વીમા યોજના અને સ્વાસ્થ્ય વીમા યોજના ચાલે છે. આ ઉપરાંત લોકોને પોતાની ગાડી અને કીમતી ચીજવસ્તુઓની સુરક્ષા માટે અલગથી વીમો લેવો પડે છે. આ નવી યોજનાનું નામ ‘યુનિવર્સલ લાઇફ એન્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ’ રહેશે. આ વીમા યોજના પાછળ રૂ.૧૦,૦૦૦ કરોડનો ખર્ચ આવશે, જેમાં ૬૦ ટકા કેન્દ્ર અને ૪૦ ટકા ખર્ચ રાજ્ય ભોગવશે.

You might also like