સેટેલાઇટ અને વસ્ત્રાપુરમાં બંધ દુકાનોના શટર તોડવાનો પ્રયાસ

અમદાવાદ: દિવાળીના તહેવાર દરમ્યાન વેપારીઓ બેસતા વર્ષના દિવસે મુહૂર્ત કરી દુકાનો પાંચ દિવસ બંધ રાખે છે. ઉપરાંત તહેવાર દરમ્યાન લોકો ઘર બંધ કરી બહાર ફરવા જતા હોય છે, જેનો લાભ તસ્કર ટોળકી ઉઠાવી રહી છે. શહેરના સેટેલાઇટ અને વસ્ત્રાપુરમાં તહેવાર દરમ્યાન બંધ દુકાનો અને મકાનમાં ચોરીના પ્રયાસ થયા છે. પ્રેરણાતીર્થ દેરાસર રોડ પરના કોમ્પ્લેક્સમાં હોસ્પિટલ અને બેંકમાં ચોરીનો પ્રયાસ થતાં પોલીસે ગુના નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ ઘાટલોડિયાના કર્મચારીનગરમાં ભાવેશભાઈ પટેલ રહે છે. તેઓની પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર આવેલાં કલાતીર્થ કોમ્પ્લેક્સમાં વીડિયોગ્રાફીની દુકાન આવેલી છે. રવિવારે મોડી રાતે કોમ્પ્લેક્સના સિક્યોરિટી ગાર્ડે પોલીસને કલાતીર્થ કોમ્પ્લેક્સમાં દુકાનમાં તાળાં તૂટ્યાંની જાણ કરી હતી. જેથી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ભાવેશભાઈને ફોન કરતાં તેઓ પણ તાત્કાલિક દુકાને દોડી આવ્યા હતા. દુકાનનું શટર તૂટેલું હતું અને અંદર જોતાં કોઈ વસ્તુની ચોરી થઇ ન હતી.

દુકાનની બાજુમાં આવેલી તુલીપ હોસ્પિટલમાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો.મોડી રાતે કોઈ અજાણી વ્યક્તિએ દુકાન, હોસ્પિટલ તેમજ બાજુમાં આવેલી સેન્ટ્રલ બેન્કના અેલાર્મની સાઇરન પણ તોડી નાખી હતી. નજીકમાં આવેલી રેડિયન્ટ ગ્રામર સ્કૂલમાં પણ શટર તૂટેલા જોવા મળ્યા હતા. તહેવાર દરમ્યાન દુકાન અને બેન્કનો લાભ લઇ તસ્કર ટોળકીએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેઓ ચોરી કરવામાં સફળ રહ્યા ન હતા. બીજી તરફ સુરધારા સર્કલ પાસે આવેલી ત્રિવેણી પાર્ક સોસાયટીમાં પ્રભુભાઈ ચૌધરી તેમના પરિવાર સાથે રહે છે. હાલમાં તેઓ સુરત ખાતે નોકરી કરે છે. દિવાળીનો તહેવાર હોઈ તેઓ અમદાવાદ આવ્યા હતા. શનિવારે રાત્રે તેઓ બહારથી ઘરે પરત ફર્યા ત્યારે તેમની બાજુના મકાનના કોટની દીવાલ કૂદીને એક શખ્સ ભાગતો હતો, જેથી પ્રભુભાઈનો પુત્ર તેને પકડવા પાછળ દોડ્યો હતો, જોકે ચોર નાસી જવામાં સફળ રહ્યો હતો. પ્રભુભાઈએ આ અંગે મકાનમાલિકને જાણ કરતા તેઓએ ભાડુઆતને જાણ કરી હતી. તેમના ભત્રીજાએ આવીને મકાનમાં જોતાં ઘરમાંથી કોઈ ચીજવસ્તુનો ચોરી થઇ ન હતી. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like