બસ એક બટન દબાવો, મુશ્કેલીમાં મુકાયેલા બાળકને મળશે મદદ

નવી દિલ્હીઃ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય જલ્દી મોબાઇલ ફોનમાં બાળકો માટે એક ચાઇલ્ડ એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી ચાઇલ્ડ લાઇન સેન્ટરની સમીક્ષા કરવા માટે પત્રકારોના એક દળને લઇને ગુડગાંવ પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું છે કે ચાઇલ્ડ લાઇન ફાઉન્ડેશનના સહયોગથી એક એપ તૈયાર કરવામાં આવશે. આ એપને ડાઉનલોડ કર્યા પછી બાળક જેવું તે બટન દબાવશે કે તરત જ માતા-પિતા સાથે ચાઇલ્ડ લાઇન સેન્ટરમાં તે કોલ નોંધાશે અને જલ્દી મદદ માટે ટીમ બાળક પાસે પહોંચી જશે.

બાળકોની સુરક્ષા માટે એપઃ ચાઇલ્ડ લાઇન 1098ની સુવિધા ઘણા સમયથી ચાલી રહી છે. પરંતુ છેલ્લાં 18 મહિનાથી બાળ તેમજ મહિલા વિકાસ મંત્રાલયે તેમાં પોતાની ભાગીદારી નોંધાવી છે અને તેમાં ઘણા પરિવર્તનો પણ લાવી રહ્યાં છે. મેનકા ગાંધીએ આ અંગે જણાવ્યું છે માર્ચ મહીનામાં 10 લાખથી પણ વધારે બાળકો અને મોટાઓને ચાઇલ્ડ લાઇને ફોન કર્યા હતા. તેમાં જાણવા મળ્યું છે કે આવનારા ફોનમાંથી 80 ટકા ફોન એવા છે કે જે સીરિયસ હોતા નથી. જેમ કે ટીચર બોલ્યા, મમ્મી પપ્પા બોલ્યા કે પછી મમ્મીએ મારા પિત્ઝા ખાવાના પૈસા લઇ લીધા. જ્યારે 20 ટકા ફોન કોલ્સ ખૂબ જ સિરિયસ હોય છે. જેમાં બાળકોનું યોન શોષણ, ઘરેથી ભાગી જવું, વેચી દેવુ, જબરજસ્તી કામ કરાવવું વગેરે જેવી અનેક ફરિયાદો આવે છે.

6 સેકન્ડમાં બાળકોનું લોકેશન ટ્રેસ કરાશેઃ આ ચાઇલ્ડ લાઇનમાં ફોન વાગતાની સાથે જ 6 સેકન્ડમાં તેનું લોકેશન ટ્રેસ કરી શકાશે. જે જગ્યાએથી કોલ હશે તે જગ્યાની ભાષાના નિપુણ કાઉન્સિલર બાળક સાથે વાત કરશે. હાલ ચાઇલ્ડ લાઇન પાસે 25 ભાષાના નિષ્ણાત કાઉન્સિલર છે. કેટલાક કોલમાં બાળકોને કાઉન્સિલર નહીં પરંતુ તરત મદદની જરૂર પડે છે. ત્યારે દેશભરમાં ચાઇલ્ડ લાઇન સાથે જોડાયેલી એનજીઓ પોલીસની મદદથી બાળક સુધી પહોંચશે.

You might also like