બેફામ ઝડપે જતી જીપે અકસ્માત સર્જ્યોઃ એકનું મોત, ત્રણ ગંભીર

પાલનપુર હાઇવે પર કુશકલ ગામનાં પાટિયા પાસેથી બેફામ ઝડપે પસાર થઇ રહેલી એક જીપે ઊંટ ગાડીને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ઊંટગાડીના ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું હોત થયું જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર નજીક આવેલા બાદલપુર ગામે રહેતા કાંતિભાઇ શંકરભાઇ પટણી તેના ત્રણ સંબંધી સાથે ઊંટગાડીમાં બેસાડી કુશકલ ગામના પાટિયા પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી બેફામ ઝડપે આવેલી જીપે ઊંટગાડીને ટક્કર મારતા થયેલા અકસ્માતમાં કાંતિભાઇનું ઘટના સ્થળે મોત થયું હતું.

જ્યારે પપ્પુ પટણી, રાહુલ પટણી અને શૈલેષ પટણીને ગંભીર ઇજા પહોંચતા ત્રણેયને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેેડવામાં આવ્યા છે.

આ ઉપરાંત સોનગઢ-વ્યારા રોડ પર કીકાકુઇ ગામના પાટિયા નજીક વહેલી સવારે લકઝરી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ધડાકા સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ બસમાં બેઠેલા મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી હતી.

આ અકસ્માતમાં ૩૪ મુસાફરોને ઇજા પહોંચતા તમામને વ્યારાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ બસ મહારાષ્ટ્ર તરફથી આવી રહી હતી અને સુરત જઇ રહી હતી. ત્યારે આ ઘટના બની હતી.

You might also like