ટ્રેલર પાછળ લકઝરી બસ ઘૂસી જતા અકસ્માતઃ ચારનાં મોત, સાતને ઇજા

અમદાવાદ: ભરૂચ-અંકલેશ્વર હાઇવે પર મંડવા ગામ નજીક ગઇ મોડીરાત્રે ટ્રેલર અને લકઝરી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક બાળકી સહિત ચાર વ્યક્તિનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા જ્યારે બસમાં બેઠેલા મુસાફરો પૈકી સાત મુસાફરોને ઇજા થતા તમામને અંકલેશ્વરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ બનાવની વિગત એવી છે કે, સુરતથી સૌરાષ્ટ્ર તરફ આવી રહેલી ખાનગી કંપનીની લકઝરી બસ ભરૂચ-અંકલેશ્વર રોડ પર મંડવા ગામ નજીકથી મોડી રાત્રે પસાર થઇ રહી હતી ત્યારે બસચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ આગળ જઇ રહેલા ટ્રેલર પાછળ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો.

બસ ધડાકાભેર ટ્રેલર સાથે અથડાતાં બસમાં બેઠેલા મુસાફરોએ ભયથી ચીસાચીસ કરી મૂકી હતી. આ ઘટનામાં બસમાં બેઠેલા એક બાળકી, એક મહિલા અને બે પુરુષો સહિત ચારનાં મોત થયા હતા જ્યારે સાત મુસાફરોને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માતના પગલે ભરૂચ-અંકલેશ્વર પરનો ટ્રાફિક કલાકો સુધી જામ થઇ જતા અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

You might also like