અમદાવાદમાં AMTS બસથી રોજ એક અકસ્માત

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું પ્રમાણ ઘટે તેવી વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત કરાઇ છે. શાસકોએ આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના રૂ.૪૮૮.૦૮ કરોડના બજેટની રજુઆત કરતી વખતે આવી સૂફિયાણી વાતો કરી હતી. જો કે ખરી વાસ્તવિકતા બિહામણી છે. આજે પણ એએમટીએસ બસનાે રોજ એક અકસ્માત થઇ રહ્યાે છે.

એએમટીએસ બસ દ્વારા જ્યારે પણ શહેરમાં મોટા પ્રાણઘાતક અકસ્માત સર્જાય છે તે વખતે તત્કાળ તંત્ર જખ્મ પર મલમપટ્ટો લગાડવાની કોશિશ કરીને કડક કાર્યવાહીના બગણાં ફૂંકે છે. બેફામ દોડતી બસની ગતિ પર અંકુશ મૂકવા સ્ટિમ્યુલેટર મૂકવા, ચાર રસ્તા કે સર્કલ પર ફલાઇંગ સ્કવોડ દ્વારા બસની સ્પીડની ચકાસણી કરવી, ડેપોમાંથી બસને રોડ પર મૂકતાં પહેલાં ડ્રાઇવરની વય-ડ્રાઇવિંગ લાઇસન્સ ચકાસવું બ્રેથ એનેલાઇઝરથી ડ્રાઇવરની નશાયુક્ત હાલતની તપાસ, સર્કલના સીસીટીવી કેમેરાથી પણ બસની ગતિ પર નિયંત્રણ મુકાશે. તેમજ ડ્રાઇવરોના ટ્રેનિંગ કલાસ જેવી બાબતોના સત્તાધીશો ચીપિયા પછાડીને બે-ચાર દિવસમાં સમગ્ર ઘટનાનો વીંટો વાળે છે. પરિણામે અનેક ડ્રાઇવરો આજે પણ નિરંકુશ બનીને બસ હંકારી રહ્યા છે. તેમાં પણ ખાનગી ઓપરેટરના ડ્રાઇવરોનું પ્રમાણ વધારે છે.

ગત નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં સંસ્થાની બસ દ્વારા ૭૦ અને ખાનગી ઓપરેટરોની બસ દ્વારા ૩૧૧ મળીને કુલ ૩૮૧ અકસ્માત સર્જાયા હતા. આમ બીજા અર્થમાં રોજના એક અકસ્માત થયા હતા. જો કે વર્ષ ર૦૧૬-૧૭માં સંસ્થાની બસના ૧ર૦ અને ખાનગી ઓપરેટરની બસના ૪૦પ મળીને નોંધાયેલા કુલ પરપ અકસ્માતની તુલનામાં અકસ્માત ઘટ્યા છે પરંતુ હજુ સુધી અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો નથી. બીજી તરફ વર્ષ ર૦૧૭-૧૮માં કુલ દશ નાગરિકના એએમટીએસના તોતિંગ પૈડાંની નીચે કચડાઇને મોત થયાં હતાં, જે વર્ષ ર૦૧૬-૧૭માં અગિયાર નાગરિકનાં મોત જેટલાં જ હોઇ આ બાબતે એએમટીએસના સત્તાવાળાઓએ ખાસ હરખાવા જેવું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત વર્ષના એએમટીએસ બસના અકસ્માતની વિગત તપાસતાં સંસ્થાની બસના ૧૯૭પ અને ખાનગી ઓપરેટરની બસના રર૦૦ મળીને કુલ ૪૧૭પ અકસ્માતો થયા છે. તેમાં પણ વર્ષ ર૦૧૧-૧રમાં સૌથી વધુ ૯૧૧ અકસ્માત થયા હતા એટલે કે તે વર્ષે રોજના ત્રણ જેટલા અકસ્માત થતા હતા.

You might also like