આજે AMTSમાં મહિલા ઉતારુઓ દસ રૂપિયામાં મનપસંદ પ્રવાસ કરી શકશે

અમદાવાદ: ભારતીય સંસ્કૃતિની ઉદાર પરંપરાની શાનમાં વધારો કરનાર ભાઇ-બહેનનાં પવિત્ર પ્રેમ રક્ષાબંધનનું પાવન પર્વ આજે દેશભરમાં ધામધુમથી ઉજવાઇ રહ્યો છે. રક્ષાબંધન તહેવાર નિમિત્તે એએમટીએસ સત્તાવાળાઓ દ્વારા આજે મહિલાઓ અને બાળકોની મનપસંદ ટિકિટમાં પચાસ ટકાના ધરમખ ઘટાડાની જાહેરાત કરી છે. રક્ષાબંધને મહિલાઓ દશ રૂપિયામાં અને બાળકો પાંચ રૂપિયામાં મામાના ઘરે તેમજ અન્ય મનપસંદ સ્થળોનો દિવસભર પ્રવાસ કરી શકશે.

એએમટીએસની મહિલા અને બાળ ઉતારુઓને સતત બીજા વર્ષે મનપસંદ ટિકિટના ભાડામાં પચાસ ટકાના ઘટાડાનો લાભ અપાયો છે. એએમટીએસના ચેરમેન ચંદ્રપ્રકાશ દવેની આ જાહેરાતના સંદર્ભમાં તંત્ર દ્વારા રક્ષાબંધને દૈનિક ૮પ૦ બસને બદલે વધુ રપ-૩૦ બસ રોડ પર મૂકવાની દિશામાં ચક્ર ગતિમાન કરાયાં છે. એએમટીએસના ટ્રાફિક ડિરેકટર જિતેન્દ્ર મહેતા કહે છે, ‘આજના રક્ષાબંધનના તહેવારે આશરે વીસ હજાર મહિલા ઉતારુઓ દશ રૂપિયાની મનપસંદ ટિકિટનો લાભ લેશે. આવતી કાલે દરરોજ કરતાં વધારે બસ મૂકીને મહિલા ઉતારુઓને વધુ સુવિધા અપાશે.’

આ ઉપરાંત એએમટીએસ દ્વારા ગઇ કાલથી નરોડા ટર્મિનસથી ત્રિમંદિર વચ્ચે નવો બસ રૂટ નંબર ૧૦૯ શરૂ કરાયો છે. આ બસ નરોડા ટર્મિનસથી વાયા આઇટીઆઇ કોતરપુર એપ્રોચ, ઇન્દિરા બ્રિજ, મધર ડેરી, ભાટ ગામ, શ્રીનાથ ફાર્મ, કોટેશ્વર ગામ, કોટેશ્વર મહાદેવ મંદિર, મોટેરા ગામ, સરકારી ઇજનેર કોલેજ, ચાંદખેડા ગામ, ઝુંડાલ બસ સ્ટેન્ડ, અડાલજ એસટી સ્ટેન્ડ, અડાલજ ગાંધીનગર ક્રોસ રોડ, કલોલ મહેસાણા ક્રોસ રોડ થઇ ત્રિમંદિર જશે. સમગ્ર દિવસ દરમ્યાન ત્રણ બસ રૂટ પર મુકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ નવા બસ રૂટ બાદ હવે એએમટીએસના કુલ ૧૬૬ રૂટ થયા છે.

એમટીએસનો રોજનો વકરો રૂ.ર૮ લાખનો હોઇ દૈનિક સવા છ લાખ ઉતારુઓ એએમટીએસ બસ સેવાનો લાભ લઇ રહ્યા છે.

You might also like