એએમટીએસના ઉતારુઓ માટે ૧૮ કરોડ પેપર ટિકિટ છપાશે

અમદાવાદ: એએમટીએસના દૈનિક છ લાખથી વધુ ઉતારુઓને જે તે બસના કંડક્ટર દ્વારા પંચિંગ કરીને અપાતી ટિકિટનું વર્ચસ્વ યથાવત્ રહેવાનું છે. તંત્ર દ્વારા ઉતારુઓ માટે કુલ ૧૮ કરોડ નંગ પેપર ટિકિટ છાપવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

સત્તાવાળાઓએ ઉતારુને અપાતી પેપર ટિકિટની છપાઇ માટેના ઇ-ટેન્ડર બહાર પાડ્યાં છે. ટિકિટોના કામ માટે વિશેષ પ્રકારની સલામતી જરૂરી હોઇ એક જ છત નીચે ટિકિટોની છપામણીની કાર્યવાહી કરવાની રહેશે. ભૂતકાળમાં ડુપ્લિકેટ કે નકલી ટિકિટના કૌભાંડ પકડાયા હોઇ ૧૦૦ ટિકિટોવાળી એક બુકમાં એક પણ ટિકિટ ખામીવાળી જણાશે તો આખું બંડલ ક્ષતિવાળું ગણવાની શરત ટેન્ડરમાં મુકાઇ છે.

બે વર્ષ અગાઉ શાહપુરના એક પ્રિન્ટરને ૨૦ કરોડ પેપર ટિકિટનો ઓર્ડર અપાયો હતો, પરંતુ આ વખતે મનપસંદ ટિકિટનું વેચાણ વધ્યું હોઇ બમણી સંખ્યામાં મનપસંદ ટિકિટ છાપવાનો ઓર્ડર અપાયો છે. ૨૦૧૫માં ૧.૫૦ કરોડ મનપસંદ ટિકિટ છપાતા ઉતારુઓને મનપસંદ ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. કંડક્ટરોના બોક્સમાં જ મનપસંદ ટિકિટના બંડલ ન હોવાથી સેંકડો ઉતારુઓને મનપસંદ ટિકિટથી વંચિત રહેવું પડે છે. જોકે હવે ત્રણ કરોડ મનપસંદ ટિકિટ છાપવાની હોઇ ઉતારુઓને મનપસંદ ટિકિટ મળી શકશે એટલે ૧૫ કરોડ ઉતારુ ટિકિટ અને ત્રણ કરોડ મનપસંદ ટિકિટ મળીને કુલ ૧૮ કરોડ પેપર ટિકિટની છપામણી પાછળ રૂ. ૪૫ લાખ ખર્ચાશે.

અગાઉ સત્તાવાળાઓ કેટલીક બસમાં ઇ-ટિકિટિંગ મશીનનો પ્રયોગ હાથ ધર્યો હતો. ઇ-ટિકિટિંગ મશીનને પ્રોત્સાહન આપવા રૂ. બે કરોડના ખર્ચે ત્રણ હજારથી વધુ ઇ-ટિકિટિંગ મશીન ખરીદવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં હતાં, પરંતુ ડ્રાઇવર-કંડક્ટરોના વિરોધના કારણે ઇ-ટિકિટિંગ મશીનનો પ્રયોગ પડતો મુકાયો છે.

એક ઇ-ટિકિટિંગ ટિકિટ પાછળ ૩૫ પૈસાનો ખર્ચ થાય છે, જ્યારે ઉતારુ ટિકિટ ત્રણ પૈસા અને મનપસંદ ટિકિટ છ પૈસામાં તૈયાર થતી હોઇ ખર્ચની દૃષ્ટિએ પણ પેપર ટિકિટ તંત્રને સસ્તી લાગતાં હાલ બે વર્ષ માટે ૧૮ કરોડ પેપર ટિકિટનો ઓર્ડર અપાયો છે.

You might also like