તારાથી થાય તે કરી લે, મારું કોઈ કાંઈ બગાડી શકવાના નથી, AMTSના સ્ટાફની ધમકી

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસની પ્રતિષ્ઠા સાવ તળિયે જઇ બેઠી છે. એએમટીએસ બસના રનિંગ સ્ટાફનું પ્રવાસી સાથેનું ઉદ્ધતાઇભર્યું વર્તન તો છાશવારે પ્રકાશમાં આવે છે. તાજેતરમાં એક મહિલા ઉતારુ સાથે ફ્લાઇંગ સ્ક્વોડના એક કર્મચારીએ ટિકિટ તપાસ દરમિયાન થયેલી રકઝકમાં ‘તારાથી થાય તે કરી લેજે, મારું કોઇ
કંઇ બગાડી શકવાના નથી’ તેમ નફ્ફટાઇપૂર્વક કહીને તેનું અપમાન કર્યું હતું. આ સમગ્ર બાબતનો વીડિયો વાયરલ થયો હોવા છતાં અને સત્તાધીશો વાકેફ હોવા છતાં ભેદી મૌન પાળી રહ્યા છે.

ગત તા. ૧૧ ઓક્ટોબરના રોજ રૂટ નં. ૧૫૧ વિવેકાનંદનગરથી ઇસ્કોન જતી બસમાં સવારે ૯.૦૦ વાગ્યે વટવા જીઆઇડીસીની આસપાસ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ ઉતારુઓની ટિકિટ તપાસવા બસમાં ચડી હતી. આ ટીમ પાસે તંત્ર દ્વારા સ્વતંત્ર જીપ ફાળવાઇ હોવા છતાં કર્મચારીઓએ બસને રોકી રાખીને ટિકિટ તપાસવા લીધી હતી, જેના કારણે રોજબરોજ
મુસાફરી કરતી એક મહિલા નોકરિયાત ઉતારુએ ચાલુ બસે ટિકિટ ન તપાસવાની વિનંતી ફ્લાઇંગ સ્ક્વોડની ટીમને કરી હતી. દરમિયાન આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારનાર વિવેકાનંદનગરના રહેવાસી અને સહઉતારુ ભરત રાણા કહે છે કે આ નોકરિયાત મહિલાએ મોડું થતું હોઇ ચાલુ ગાડીએ ચેકિંગ ન કરો એટલી જ વિનંતી કરી હતી. તેમ છતાં ખીચોખીચ ભરાયેલી બસમાં તેની સાથે ભારે અપમાનપૂર્વક વ્યવહાર કરાયો હતો.

You might also like