એએમટીઅેસના ખુદાબક્ષ મુસાફરોમાં ૫૦ ટકા મહિલા!

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)ની બસમાં મફત મુસાફરી કરનારા મુસાફરો પૈકી ૫૦ ટકા મહિલાઓ હોય છે. તંત્રની ફલાઈંગ વિજિલન્સ સ્કવોડને મુસાફરોની ટિકિટ તપાસતી વખતે ટિકિટ વગરના સિનિયર સિટીઝનો તેમજ પીધેલા ઉતારુઓ પણ મળી આવે છે.

એએમટીએસની દરરોજ રોડ પર દોડતી ૮૫૦ બસનો દૈનિક સવા છ લાખ મુસાફરો લાભ લે છે, જેનાથી તંત્રને દૈનિક રૂ.૩૨ લાખની આવક થાય છે. જોકે એએમટીએસની દૈનિક ખોટ આવક કરતાં અઢી ગણી છે! એટલે કે દરરોજની એક કરોડની છે!

આવક કરતાં ખોટ વધારે હોવાનાં કારણો પૈકીનું એક કારણ ખુદાબક્ષ મુસાફરો પણ છે. છેલ્લા નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં તંત્ર દ્વારા કુલ ૩૩૮૨૭ ખુદાબક્ષ મુસાફરોને ઝડપી લેવાયા હતા તેમજ આ ખુદાબક્ષો પાસેથી કુલ રૂ. ૩૩,૦૬,૨૯૭નો દંડ વસૂલાયો હતો.

સત્તાવાળાઓ દ્વારા જે ખુદાબક્ષો મુસાફરો પકડાય છે તે તો ખરેખરના ખુદાબક્ષ મુસાફરોની સંખ્યા કરતા ઓછા જ છે કેમ કે એએમટીએસની બસ સેવા અમદાવાદના દૂર દૂરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જતી હોઈ આ વિસ્તારોના ‘મફતિયા’ મુસાફરો તો તંત્રની ખાસ ઝપટમાં આવતા નથી!

સામાન્ય રીતે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર સમૃદ્ધ અને શિક્ષિત લોકોનો વિસ્તાર ગણાય છે પરંતુ પૂર્વ અમદાવાદ કરતાં પશ્ચિમ અમદાવાદમાં આશ્ચર્યજનક રીતે ખુદાબક્ષ મહિલાઓનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.

વિજિલન્સ ફલાઈંગ સ્કવોડને ખુદાબક્ષ મુસાફરોમાં પરપ્રાંતીયો વધારે પ્રમાણમાં મળી આવ્યા છે. સૂત્રો કહે છે કે, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ખુદાબક્ષ પરપ્રાંતીયો વધુ હોય છે. જોકે રાજસ્થાન તરફના પરપ્રાંતીયો ટિકિટ લેતા જોવા મળ્યા છે.

પશ્ચિમ વિસ્તારમાં વેજલપુરના જીવરાજપાર્કથી છેક બુટભવાની માતા મંંદિર સુધીના રૂટમાં તેમ જ પૂર્વમાં હાટકેશ્વર, અમરાઈવાડી, નિકોલ, બાપુનગરમાં પીધેલા ખુદાબક્ષો બસમાંથી ઝડપાય છે. પશ્ચિમ અમદાવાદમાં સરખેજ, જુહાપુરામાંથી સૌથી વધુ તો નારણપુરા, નવા વાડજ અને નવરંગપુરામાં સૌથી ઓછા ખુદાબક્ષો મુસાફરો પકડાય છે જ્યારે પૂર્વના બાપુનગર, નિકોલ અને વસ્ત્રાલમાં ખુદાબક્ષોનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.

કયા મહિનામાં કેટલા ખુદાબક્ષ ઝડપાયા?
મહિનો               ખુદાબક્ષ       દંડ (રૂપિયામાં)
એપ્રિલ               ૨૩૭૬            ૨૧૫૭૬૭
મે                      ૨૪૫૫            ૨૧૯૪૪૯
જૂન                   ૨૫૬૨             ૨૩૮૯૬૯
જુલાઈ               ૨૯૨૨             ૨૮૨૦૭૬
ઓગસ્ટ             ૩૦૦૭            ૨૯૫૭૪૧
સપ્ટેમ્બર          ૨૭૫૨             ૨૫૬૯૬૯
ઓક્ટોબર         ૩૩૮૫            ૩૨૧૪૩૯
નવેમ્બર           ૨૮૧૭            ૨૮૦૨૧૯
ડિસેમ્બર           ૩૨૧૪            ૩૨૫૮૯૦
જાન્યુઆરી       ૩૨૪૩            ૩૧૪૧૪૭
ફેબ્રુઆરી          ૨૨૮૩            ૨૮૩૪૭૯
માર્ચ                 ૨૮૧૧            ૨૭૨૧૫૨
કુલ                 ૩૩૮૨૭          ૩૩,૦૬,૨૯૭

You might also like