આનંદો..!આનંદો..! AMTSનાં ભાડાંમાં વધારાની શક્યતા નથી

અમદાવાદ: લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી હોવાથી આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ દરમ્યાન એએમટીએસના પેસેન્જર્સ માટે હાલના ભાડાના દર યથાવત્ રહેશે. આજે તંત્ર દ્વારા ટ્રાન્સપોર્ટ કમિટી સમક્ષ આગામી નાણાકીય વર્ષનું ડ્રાફટ બજેટ મુકાનાર હોઇ તેમાં ભાડામાં વૃદ્ધિ કરવાને લગતી કોઇ દરખાસ્ત મૂકાશે નહીં તેવી શક્યતા જાણકાર સૂત્રોએ દર્શાવી છે.

એએમટીએસ દ્વારા હાલમાં ૧૦૦ જેટલી સંસ્થાની બસ અને ૬૦૦ જેટલી ખાનગી ઓપરેટરની બસ મળીને રોજ કુલ ૭૦૦ બસ રોડ પર મુકાય છે, જોકે તંત્ર દ્વારા પેસેન્જર્સની સુવિધા માટે વર્ષોથી રોડ પર દરરોજ ૧૦૦૦ બસ દોડતી કરવાના બણગા ફૂંકાય છે.

સત્તાવાળાઓના ડ્રાફટ બજેટમાં ૧૦૦૦ બસ દોડતી કરાય છે. પરંતુ નક્કર હકીકતમાં આજે પણ પેસેન્જર્સને અપૂરતી બસની સંખ્યાના કારણે પિકઅવર્સમાં બસની બહાર ટીંગાઇને મુસાફરી કરવી પડે છે. આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં તંત્ર પોતાના કાફલામાં વધુ ને વધુ ૧પ૦થી ર૦૦ બસ મુકશે.

જેના કારણે રોજની ૧૦૦૦ બસ રોડ પર દોડતી મૂકવાનો લક્ષ્યાંક આ વખતે પણ આઘરો રહેશે તેવી ચર્ચા ઊઠી છે. ચાલુ વર્ષના અંદાજે રૂ.૪૯૦ કરોડના ડ્રાફટ બજેટમાં તંત્ર દ્વારા વધુ રૂ.૧૦ થી ૧પ કરોડના આયોજન મુકાય તેવી સંભાવના છે. આજે બપોરે તંત્રનું ડ્રાફટ બજેટ રજૂ થયા બાદ શાસકો દ્વારા તેમાં સુધારા-વધારા સૂચવતું રિવાઇઝડ બજેટ તૈયાર કરાશે.

અગાઉના ચેરમેન ચંદ્રપ્રકાશ દવેના રિવાઇઝડ બજેટમાં કોઇ સુધારા-વધારા મુકાયા ન હતા, પરંતુ હાલના ચેરમેન અતુલ ભાવસાર નાના-મોટા સુધારા મૂકશે તેમ જાણકાર સૂત્રો જણાવે છે. દરમ્યાન રેલવે સત્તાવાળાઓ દ્વારા ચારેક મેમુ ટ્રેનને વટવા રેલવે સ્ટેશન સુધી ટૂંકાવવામાં આવતાં એએમટીએસ તંત્રએ રૂટ નં.૧૮ને કાલુપુર ટર્મિનસથી વટવા રેલવે ઓવરબ્રિજથી આગળ વટવા રેલવે સ્ટેશન સુધી લંબાવ્યો છે.

You might also like