શિયાળો પતવા આવ્યો ત્યારે AMTSના ડ્રાઈવરો માટે ગરમ કપડાંની જર્સી ખરીદાશે

અમદાવાદ: શહેરીજનોમાં એએમટીએસ સત્તાવાળાઓ રિંગ રેડિયલ જેવા તરંગ તુક્કાઓ, અનિયમિત બસો, છાશવારે રોડ પર ખોટકાઇને બંધ પડતી બ્રેક ડાઉન બસોથી વારંવાર હાસ્યાસ્પદ ઠર્યા છે, પરંતુ પોતાના અવિચારી નિર્ણયોથી પોતાના સ્ટાફમાં પણ સત્તાધીશો અવારનવાર મજાક મશ્કરીનું પાત્ર બન્યા છે. ડ્રાઇવરો માટે ગરમ કાપડની ૪૪૯ જરસીની ખરીદીના મામલે પણ ફરીથી એક વખત તંત્રની હાંસી ઊડી રહી છે.

તાજેતરમાં એએમટીએસના સત્તાવાળાઓએ ગરમ કાપડની ૪૪૯ જરસી ખરીદવાનું ટેન્ડર બહાર પાડયું છે. જેમાં ૪૦ ઇંચની ર૪ જરસી, ૪ર ઇંચની ર૧૦ જરસી, ૪૪ ઇંચથી ૧૭૭ જરસી, ૪૬ ઇંચની ૪૧ જરસી અને ૪૮ ઇંચની બે જેટલી એમ કુલ ૪૪૯ જરસીની વિગત પણ અપાઇ છે. જોકે અડધો પોણો શિયાળો વીતી ગયા બાદ ૪૪૯ ગરમ કાપડની જરસી ખરીદવા સત્તાધીશો બજારમાં આવતાં ડ્રાઇવરો કન્ડકટરો સહિતના રનિંગ સ્ટાફમાં ભારે રમૂજ ફેલાઇ છે.

કેટલાક ટીખળી ડ્રાઇવરો તો કહે છે કે ચાર વર્ષે એક વખત ગરમ કાપડની જરસી આપવી એવો નિયમ હોઇ જમાલપુર મુખ્યાલયના ઉચ્ચ અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યા છે. નહીંતર અમારા સાહેબો તો શિયાળામાં રેઇન કોટ ખરીદવા જાય તેવા છે. કોઇ પૂછનાર ગાછનાર જ નથી. એટલે ઘરની ધોરાજી ચાલે છે. બાકી ખરેખર તો વર્કશોપનો સ્ટાફ વગેરે કાયમી કર્મચારીઓને જોતાં ૪૪૯ જરસી ૪૦ ટકા સ્ટાફને આપી શકાય તેમ નથી.

એએમટીએસ ર૪૬૦ રંગીન નેપકીન પણ ખરીદવાનું છે. જોકે વહીવટી અધિકારીઓ તો  ખાસ કરીને ગરમ કાપડની જરસીના મુદ્દે સ્ટાફમાં હાસ્યાસ્પદ બન્યા છે.  આ અંગે એએમટીએસના ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર આર. એલ. પાંડે નિખાલસતાથી કહે છે કે ગરમ કાપડની ગરમી ખરીદીના મામલે ચોક્કસ વિલંબ થયો છે. જોકે ટેન્ડર બહાર પાડયા એટલે જે તે વસ્તુની ખરીદી કરાય જ તેવું નથી! એટલે તંત્ર સ્ટાફના હિતમાં યોગ્ય રીતે નિર્ણય લેશે.

You might also like