એએમટીએસના હડતાળિયા કન્ડકટરોને નોટિસ ફટકારાઇ

અમદાવાદ: એએમટીએસના ૧૦૦૦થી વધુ કોન્ટ્રાકટ બેઝ કંડકટર ગયા સોમવારથી અચાનક હડતાળ પર ઊતરી જતાં હજારો ઉતારુઓ ત્રાસી ગયા છે. આજે હડતાળનો પાંચમો દિવસ છે. આજે પણ તંત્રે પહેલી પાળીમાં ૭૦૧ બસ રોડ પર મુકાઇ હોવાનો દાવો કર્યો છે. જો કે ગઇ કાલે હડતાળિયા કંડકટરને તત્કાળ ફરજ પર હાજર થઇ જવાની નોટિસ ફટકારીને સત્તાવાળાઓ પણ સક્રિય બન્યા છે. અત્યાર સુધીમાં એએમટીએસને આવકમાં રૂ.પ૦ લાખનો ફટકો પડી ચૂક્યો છે.
કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓની હડતાળને પગલે એએમટીએસની રોજની દોઢસોથી બસો બસ રોડ પર ઓછી મુકાઇ રહી છે. પરિણામે નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓની હાલત કફોડી થઇ છે. કેટલાક રૂટ પર તો કંડકટર વગર ડ્રાઇવર બસ હંકારી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી મળી છે. એએમટીએસના સ્ટાફને કંડકટરની ફરજ સોંપાઇ હોઇ તંત્રની તિજોરીને પણ દરરોજની નિર્ધારિત આવકમાં સરેરાશ રૂ.દશ લાખનો ફટકો પડી રહ્યો છે. દરમ્યાન ગઇ કાલે તંત્રે એએમટીએસ સેવા ‘એસ્પા’ હેઠળની આવશ્યક સેવા હોઇ હડતાળિયા કર્મચારીઓને નોટિસ સુધ્ધાં ફટકારી છે. ટ્રાન્સપોર્ટ મેનેજરનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આર્જવ શાહ કહે છે. ‘આજે હાઇકોર્ટનો ચુકાદો આવનાર હોઇ અમે વેટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી છે.

You might also like