પાલડી AMTS કંટ્રોલ કેબિનમાં રાજસ્થાન એસટીના ‘મફત’માં ધામા

અમદાવાદ: દરરોજ રૂ.એક કરોડની દૈનિક ખોટ ખાનારી એએમટીએસના જે તે ટર્મિનસનું વેપારીકરણ કરવાની બહુ ગાજેલી વાતો તો ક્યારની હવા હવાઇ થઇ ગઇ છે, પરંતુ હવે તો સાવ મફતમાં તંત્ર જેને તેને જગ્યા ફાળવી રહ્યું છે. જર્જરિત પાલડી એએમટીએસ ટર્મિનસ કંટ્રોલ કેબિનમાં ઉતારુઓને પૂછપરછ માટે રઝળતા મૂકીને સત્તાવાળાઓએ રાજસ્થાન એસટી વિભાગને જગ્યા આપીને ભારે આશ્ચર્ય સર્જ્યું છે.

પાલડી એએમટીએસ ટર્મિનસ હંમેશાં સેંકડો ઉતારુઓથી ગાજતું રહે છે. એએમટીએસનું પાલડી મહત્ત્વનું ટર્મિનસ હોઇ દરરોજ ૩૦થી વધારે રૂટની અવરજવર અને પાંચેક રૂટનું સંચાલન થતું હોય છે. અત્રેના કંટ્રોલ કે‌િબનમાં અજાણ્યા ઉતારુઓનો જે તે બસની પૂછપરછ માટેનો ધસારો પણ રહે છે. તેમ છતાં સત્તાધીશોએ અગમ્ય કારણસર અત્રે રાજસ્થાન એસટી વિભાગને જગ્યા ફાળવી છે.

આ કંટ્રોલ કેબિનમાં રાજસ્થાન એસટી વિભાગનો સ્ટાફ બેસીને મારવાડ તરફ જનારી સઘળી બસોનું સંચાલન, આરક્ષણ અને એડ્વાન્સ બુ‌િકંગ કરે છે. ટર્મિનસના પરિસરમાં જ ઉતારુઓને લેવા રાજસ્થાન એસટીની બસ ઊભી રહે છે. આટઆટલી સુવિધા રાજસ્થાન એસટી વિભાગને આપવા છતાં એએમટીએસની તિજોરીને એક પણ રૂપિયાની આવક થતી નથી!

એએમટીએસનાં ટોચનાં સૂત્રો કહે છે ‘પાલડી ટર્મિનસના કંટ્રોલ કેબિનમાં તદ્દન મફતમાં રાજસ્થાન એસટી વિભાગને જગ્યા ફાળવાઇ છે. આ કંટ્રોલ કે‌િબનની અડધી જગ્યામાં તંત્રના કંટ્રોલરો પણ બેસીને અજાણ્યા ઉતારુઓને માર્ગદર્શન પૂરું પાડશે. રાજસ્થાન એસટી વિભાગને કમિશનરની વિશેષ સત્તાથી આ સુવિધા પૂરી પડાઇ છે. જ્યાં સુધી પાલડી ટર્મિનસના નવીનીકરણના કામનો આરંભ નહીં થાય ત્યાં સુધી રાજસ્થાન એસટી વિભાગનો સ્ટાફ આ જગ્યા પર બેસીને પોતાની બસદનું સંચાલન કરશે.’

home

You might also like