બીજા-ચોથા શનિવાર અને રવિવારે AMTSની ૨૦૦ જેટલી બસના પૈડાં થંભી જાય છે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસની દરરોજની ખોટ એક કરોડ રૂપિયાની છે. કોર્પોરેશન દ્વારા દર વર્ષ અપાતી કરોડો રૂપિયાની લોનના આર્થિક ટેકાથી એએમટીએસ બસનાં પૈડાં રોડ પર દોડી રહ્યાં હોઇ. સંસ્થાની ખોટને ઘટાડવા માટે તંત્ર દ્વારા દર રવિવારે એએમટીએસની ૧૮૦થી ર૦૦ બસ ઓછી મુકાઇ રહી છે.
છેલ્લા એક મહિનાથી સત્તાવાળાઓએ પરિપત્ર પ્રસિદ્ધ કરીને સંસ્થાના આશરે ૬૦૦થી વધારે કાયમી ડ્રાઇવર અને ૯૦ જેટલા કોન્ટ્રાકટ પરના ડ્રાઇવરને દર રવિવારે રજા આપી છે એટલે કે દર રવિવારે સંસ્થાની માલિકીની બસ રોડ પર મુકાશે નહીં. સામાન્ય રીતે સંસ્થાની માલિકીની દરરોજની ૧૮૦થી ર૦૦ બસ રોડ મુકાય છે.

આ ઉપરાંત જાહેર તહેવારો તેમજ બીજા અને ચોથા શનિવારે પણ રોડ પર બસ ઓછી મુકાઇ રહી છે. ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ના બજેટમાં પણ આ દિવસોમાં રોડ પર ૬પ૦થી ૭૦૦ બસ મૂકવાની જાહેરાત કરાઇ હતી. જોકે સત્તાધીશોએ બજેટ વર્ષની અમલવારીની પહેલાં જ ખાસ પરિપત્ર પ્રસિદ્ધ કરીને રોડ પર બસ ઓછી મૂકવાની શરૂઆત કરી દીધી છે.

જોકે સંસ્થાની ઓ એન્ડ એમ (ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ) હેઠળની આશરે ર૪૧ બસ તેમજ પ્રાઇવેટ ઓપરેટરોની માલિકીની આશરે ૩પ૦ બસ મળીને કુલ ૬૦૦ જેટલી બસ દર રવિવારે રોડ પર મુકાઇ રહી છે. ઓ એન્ડ એમની બસ પણ પ્રાઇવેટ ઓપરેટરના ડ્રાઇવર ચલાવે છે જ્યારે ફક્ત કંડકટર જ સંસ્થાનો હોય છે. જ્યારે પ્રાઇવેટ ઓપરેટરની બસમાં ડ્રાઇવર અને કંડકટર બંને પ્રાઇવેટ ઓપરેટરના હોય છે. પરંતુ સંસ્થાની નવી ૭પ મિડી બસ અને નવી પાંચ મિની બસમાં કંડકટર પણ પ્રાઇવેટ ઓપેટરના છે.

તંત્રની નવી નીતિના કારણે ઉતારુઓને દર રવિવારે ઉપરાંત આજના રામનવમી જેવા જાહેર તહેવાર અને બીજા અને ચોથા શનિવારે બસ માટે તકલીફ પડી રહી છે. જે તે બસ રુટ પર દોડતી બસની સંખ્યા ઘટી જવાથી ઉતારુઓને કલાકો સુધી બસની પ્રતીક્ષા કરવી પડે છે. રવિવારે તો મહિલા અને બાળક માટેની મનપસંદ ટિકિટનો દર ક્રમશઃ રૂ.ર૦ અને રૂ.૧૦ ને બદલે રૂ.૧પ અને રૂ.પ કરાયો હોવા છતાં પરિવાર સાથે નીકળેલા નાગરિકોને બસ મેળવવા ફાંફે ચઢવું પડે છે.
http://sambhaavnews.com/

You might also like