AMTS બસમાં જીપીએસ-કંટ્રોલ રૂમ ઠપઃ ખાનગી અોપરેટરોને જલસા

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસની ‘લાલ બસ’ની એક સમયે દેશભરમાં પ્રતિષ્ઠા હતી. તે સમયે લોકો બસના અાવવા-જવા પરથી ઘડિયાળનો સમય મેળવતા હતા. છેલ્લા દોઢ દાયકાથી સમગ્ર તંત્ર ખાડે ગયું છે.

દરરોજની એક કરોડની ખોટ ખાતી સંસ્થાને ઉગારવા માટે નક્કર પગલાં લેવાતાં નથી. છેલ્લા ત્રણ મહિનાથી અેએમટીએસની કરોડો રૂપિયાના ખર્ચે વિકસિત કરાયેલી જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) ઠપ થઈ હોઈ સત્તાવાળાઅોના કંગાળ મેનેજમેન્ટનું એક વધુ વરવું ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે.

અલબત્ત, અાના કારણે ઉનાળાની ભીષણ ગરમીમાં બસની રાહ જોતા ઉતારુઅોને અાકરા તાપમાં શેકાવું પડે છે, કેમ કે જીપીએસની બીક દૂર થવાથી કેટલાક ઉદ્ધત ડ્રાઈવર ઉતારુને સ્ટેન્ડ પરથી લીધા વગર સડસડાટ બસ દોડાવી દે છે.

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના તંત્રના  રૂ. ૫૦૮-૧૭ કરોડના ડ્રાફ્ટ બજેટમાં શાસકોઅે સંસ્થાની જંગી ખોટના કારણે એક પણ રૂપિયાનો વધારો સૂચવ્યા વગરનું વાસ્તવલક્ષી સુધારિત બજેટ રજૂ કરીને આવકારદાયક કામ કર્યું છે. ખોટ ઘટાડવા માટે એએમટીએસના ૫૭૪ સ્ટાફને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાળવીને સત્તાધીશોઅે રૂ. ૩૦ કરોડના વાર્ષિક પગારની નાણાકીય બચત કરી હતી. અા વર્ષે વધુ ૩૦૦ કર્મચારીનો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરાશે. પરંતુ તંત્રનાં અાવાં પગલાંથી ઉતારુની સગવડમાં કોઈ સુધારો-વધારો થયો નથી.

ઊલટાનું ઉતારુની સુવિધા માટેની જીપીએસના સુચારુ સંચાલનની ઉપેક્ષા થઈ છે. છેક વર્ષ ૨૦૦૯માં જીપીએસનાં ઢોલ નગારાં વગાડાયાં હતાં. જમાલપુરના જૂના મુખ્યાલયમાં લાખો રૂપિયાના ખર્ચે કંટ્રોલ રૂમ તૈયારકરાયો હતો.

અા કંટ્રોલ રૂમના નિર્માણની કામગીરી પણ જે તે સમયે કોન્ટ્રાક્ટર તરફની તંત્રની કૂણી લાગણીથી વિવાદોમાં સપડાયો હતો. સંસ્થાની માલિકીની બસ, અો એન્ડ એમ બસ, ખાનગી અોપરેટરની બસ એવી તમામ બસને જીપીએસ સિસ્ટમથી સુસજ્જ કરાવવા લેવાઇ હતી. ત્રણ વર્ષ પહેલાં કોર્પોરેટર લુક ધરાવતું નવું મુખ્યાલય બનાવ્યા બાદ અા કંટ્રોલ રૂમ ત્યાં સ્થળાંતરિત કરાયો હતો. સંસ્થાના ૧૦થી વધુ અોપરેટર દ્વારા જીપીએસ સિસ્ટમનું સંચાલન થતું હતું.

પરંતુ કંટ્રોલ રૂમના સર્વરના સોફ્ટવેરમાં ત્રણ મહિના પહેલા સર્જાયેલી ખામીના કારણે જીપીએસઠપ થવાથી મોટાભાગના અોપરેટરને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગમાં મોકલી દેવાયા છે.હવે અાખાે કંટ્રોલ રૂમ સુમસામ ભાસે છે અને ખાનગી અોપરેટરને જલસા થયા છે.

જીપીએસકાર્યરત ન હોઈ ‘મિસ બસ સ્ટોપ’નું ચેકિંગ થઈ શકતું ન હોઈ ખાનગી અોપરેટરને અગાઉ દર મહિને કરાતી હજારો રૂપિયાની પેનલ્ટી કરી શકાતી નથી. માત્ર વર્કશોપ કે ડેપોના સ્ટાફ દ્વારા યુનિફોર્મ ન પહેરવા જેવા ગુનાસર ખાનગી અોપરેટરને મામૂલી રૂ. ૨૫૦થી રૂ. ૫૦૦નો દંડ ફટકારાય છે. ઉતારુના મોબાઈલ પર ડાઉનલોડ કરેલી સંસ્થાની મોબાઈલ એપ પણ હાસ્યાસ્પદ બની છે. કેમ કે ઉતારુને લીધા વગર અનેકવાર બસ સડસડાટ દોડાવી દેવાય છે.

અાધારભૂત સૂત્રો કહે છે, ઇન્ફિનિયમ સોલ્યુશન નામની કંપની સાથેનો જૂનો કોન્ટ્રાક્ટ પૂરો થયો હોઈ અત્યારે સ્માર્ટ સિટીના અાઈટીએમએસ પ્રોજેક્ટ હેઠળ જીપીએસને અાવરી લેવા એનકોડ કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે. અા કંપનીના સ્ટાફ દ્વારા ટૂંક સમયમાં કંટ્રોલ રૂમનું સંચાલન થવાનું હોઈ જીપીએસવધુ અદ્યતન બનશે.

You might also like