એએમટીએસનાં ૫૯ જેટલાં બસસ્ટેન્ડ કાયમી દબાણગ્રસ્ત

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)ની દરરોજની ખોટ અેક કરોડ રૂપિયાની છે. તંત્રના આ ખોટ ઘટાડવાના પ્રયાસોને ખાસ સફળતા મળતી નથી. કેમ કે શટલ રિક્ષાવાળાઓ બેધડક જે તે બસ સ્ટેન્ડ પાસે ઊભા રહીને ઉતારુઓને ખેંચી જાય છે. એક પ્રકારે એએમટીએસ બસ સ્ટેન્ડ રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડ જ બન્યાં છે. જોકે તંત્રની રિક્ષા હટાવવાની ઝુંબેશ ફક્ત ત્રણ મહિનામાં જ ટાંય ટાંય ફિસ્સ થતાં ઉતારુઓ ઠેરના ઠેર રહ્યા છે. અગાઉની ઝુંબેશ પણ મર્યાદિત સમયમાં ઠપ થતી હતી.

શહેરમાં ચાલતી શટલ રિક્ષાઓ પૈકી અનેક રિક્ષા ટ્રાફિક પોલીસ કે એએમટીએસના ડ્રાઇવરની હોવાનું જગજાહેર છે. પોલીસ વિભાગનો સ્ટાફ પણ રિક્ષાઓને ભાડે ફેરવે છે. બાકીની શટલ રિક્ષાઓ જેતે તંત્રને હપ્તા ચૂકવીને ચાલે છે. પરિણામે શટલ રિક્ષાઓ એએમટીએસ ટર્મિનસ કે બસ સ્ટેન્ડ પાસે બેધડક રીતે ઊભી રહે તો પણ કોઇનોય વાળે વાંકો થતો નથી.

શટલ રિક્ષાવાળાઓની દાદાગીરીથી બસને સ્ટેન્ડ પર લાવી શકાતી નથી. વૃદ્ધો કે બાળક તેેડેલી મહિલાને મહામુસીબતે રસ્તાની વચ્ચોવચ્ચ ઊભેલી બસ પકડવા જીવ જોખમમાં મૂકીને દોટ મૂકવી પડે છે. તેમ છતાં ઘણા અસહાય ઉતારુઓ બસ ચૂકી જાય છે. શટલ રિક્ષાઓથી એએમટીએસની ખોટ ઘટતી નથી. તેનાથી પણ તંત્ર વાકેફ છે. છેક વર્ષ ર૦૧ર-૧૩માં તંત્રએ ટ્રાફિક પોલીસની મદદથી રિક્ષા હટાવવાની ઝુંબેશ ચલાવી હતી. ત્યારબાદ ર૦૧૪માં નવેસરથી ઝુંબેશ ચલાવાઇ હતી. પરંતુ તે વખતે થોડા સમયમાં જ અગમ્ય કારણસર ઝુંબેશ આટોપાઇ ગઇ હતી.

ચાલુ વર્ષે છ મહિના પહેલા સત્તાવાળાઓએ સર્વે કરીને એવા પ૯ બસ સ્ટેન્ડ શોધી કાઢ્યાં કે જ્યાં ઉતારુઓ બસ પકડવા રિક્ષાના ત્રાસથી ઊભા ન રહી શકતા હોય. ત્યારબાદ ત્રણ મહિના રિક્ષા હટાવવાનું અભિયાન હાથ ધરીને જુલાઇમાં રૂ.પર,૮૦૦, ઓગસ્ટમાં રૂ.પર,૧૦૦ અને સપ્ટેમ્બરમાં રૂ.ર૧,૬૦૦ની પેનલ્ટી પણ વસુલાઇ ટુ વ્હીલર અને રિક્ષાવાળા પાસેથી રૂ.પ૦નો દંડ અને ફોર વ્હીલરચાલકો પાસેથી રૂ.૧૦૦નો દંડ વસૂલવા સો રસીદ ધરાવતી સંખ્યાબંધ રસીદ બુકો છપાવડાવી, ૩૦૦-૪૦૦ તાળાં ખરીદાયાં, સારંગપુર ટર્મિનસ ખાતે ઓગસ્ટમાં ખાસ ઝુંબેશ હેઠળ રૂ.૮૪,૦૦ પેનલ્ટી પેટે વસુલાયા પરંતુ ત્રણ મહિનામાં સમગ્ર અભિયાન સમેટે લેવાયું. તંત્રના સર્વે કરતાં પણ ત્રણ ગણા બસ સ્ટેન્ડ પર ઉતારુઓ રિક્ષાવાળાઓનો ત્રાસ વેઠી રહ્યા હોવા છતાં તંત્રની ભેદી પીછેહઠ ચર્ચાસ્પદ બની છે.

http://sambhaavnews.com/

You might also like