લાલ દરવાજા બસ ટર્મિનસ પર હવે શાસકોની અમી નજર પડી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીઅેસ)ના દૈનિક છ લાખથી વધુ ઉતારુઅો માટે શહેરની મધ્યમાં અાવેલું લાલદરવાજા ટર્મિનસ ભારે મહત્ત્વપૂર્ણ છે. તંત્રના લાંબા અંતરની બસ દોડાવવાના બદલે ટૂંકા અંતરની બસના અભિગમ હેઠળ અનેક ઉતારુઅોને લાલદરવાજા ટર્મિનસથી અાગળની બસ પકડવી પડે છે. અાવા લાલદરવાજા ટર્મિનસના બિલ્ડિંગને નવાં રંગરૂપ અપાશે.

એએમટીએસના ટ્રાન્સપોર્ટ મેનેજરનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર અાર્જવ શાહે ગઈ કાલે રૂ. ૫૨૮.૦૯ કરોડનું અાગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. અા ડ્રાફટ બજેટ બાદ હવે એએમટીઅેસના નવા ચેરમેન ચંદ્રપ્રકાશ દવે દ્વારા અાગામી દિવસોમાં સુધારિત બજેટ રજૂ કરાશે.

ચંદ્રપ્રકાશ દવેના સુધારિત બજેટમાં લાલદરવાજા ટર્મિનસ પ્રત્યે ખાસ ધ્યાન કે‌િન્દ્રત કરાશે, કેમ કે અત્યાર સુધી તંત્રના સૌથી મોટા અા ટર્મિનસની ઉપેક્ષા જ કરાઈ છે. ભદ્ર પ્લાઝા પ્રોજેક્ટ અને ‌િરવરફ્રન્ટ પ્રોજેક્ટ સાથે લાલ દરવાજા ટર્મિનસને સાંકળીને તેનો બહુઅાયામી વિકાસ કરવાનાં ‘મૃગજળ’ અગાઉના શાસકોઅે નાગરિકોને બતાવ્યાં છે.

પરંતુ વર્ષો સુધી લાલદરવાજા ટર્મિનસના નવીનીકરણનાં ઢોલનગારાં વગાડ્યા બાદ જેએનયુઅારએમના કેન્દ્રનું ફંડ મળતું બંધ થવાથી શાસક પક્ષને વાસ્તવિકતા સ્વીકારવાની ફરજ પડી છે. પરિણામે હવે અા ટર્મિનસના બિલ્ડિંગને નવાં રંગરૂપ અાપવાની દિશામાં ચક્રો ગતિમાન થશે.

દૈનિક બેથી અઢી લાખ ઉતારુઅોથી ધમધમતા લાલદરવાજા ટર્મિનસને એએમટીએસના નવા ચેરમેન દવે ગંભીરતાથી લેશે. ચેરમેન દવેના સુધારિત બજેટમાં લાલદરવાજા ટર્મિનસને પૂરતું મહત્ત્વ અપાશે તેવું જાણવા મળ્યું છે, જોકે વર્ષોથી ઉપેક્ષિત લાલદરવાજા ટર્મિનસને ઉતારુઅોની સગવડ-સુવિધા માટે શાસકો દ્વારા રહી રહીને વળી મહત્ત્વ અપાય તે ખાસ જરૂરી બન્યું છે. મેગાસિટી અમદાવાદમાં બિસમાર લાલદરવાજા ટર્મિનસ ન શોભે તેવું અસંખ્ય ઉતારુઅો પણ માને છે. દરમિયાન લાલદરવાજા ટર્મિનસના નવીનીકરણ માટે જો કોર્પોરેશન પાસે પૂરતું ફંડ નહીં હોય તો સંસદ સભ્ય અને ધારાસભ્ય પાસેથી ગ્રાન્ટ મેળવીને પણ કામને પૂર્ણ કરાશે.

You might also like