મિની બસ દોડાવવા ભદ્ર પ્લાઝા રોડ પરનાં પાથરણાંવાળાને ખસેડાશે

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટના હાલહવાલથી સૌ પરિચિત છે. અગાઉની યુપીએ સરકારના જેએનયુઆરએમ પ્રોજેકટ હેઠળ અમદાવાદનાં નગરદેવી માતા ભદ્રકાળીના મંદિરથી છેક ત્રણ દરવાજા સુધીના વિસ્તારને ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ હેઠળ પ્રથમ તબક્કામાં વિકસીત કરાયો હતો. જો કે સંબંધિત તંત્રની પાથરણાંવાળા સામે આંખ આડા કાન કરવાની નીતિ રીતિથી સમગ્ર પ્રોજેકટનો ફિયાસ્કો થયો. હવે સત્તાધીશો તરફથી ત્રણ દરવાજા થઇને ગાંધી રોડ પર એએમટીએસની મિની બસ દોડાવવાનું એલાન કરાતાં વહીવટીતંત્રમાં દોડધામ મચી છે. ભદ્ર પ્લાઝાના રોડ પરનાં પાથરણાંવાળાને મિની બસ દોડાવવાના હેતુથી ખસેડવાનાં ચક્ર ગતિમાન કરાયાં છે.

નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યપ્રધાન પદના કાર્યકાળ દરમ્યાન સાબરમતી રિવરફ્રન્ટ, બીઆરટીએસ, કાંકરિયા લેક ફ્રન્ટ અને ભદ્ર પ્લાઝા એમ ચાર કોર્પોરેશનને લગતા ડ્રીમ પ્રોજેકટ હતા. જે પૈકી ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટનો પ્રથમ તબક્કો છેક માર્ચ-ર૦૧રમાં હાથ પર લેવાયો હતો અને કુલ ર૧૦૦૦ ચો.મીટરની જગ્યાને આશરે રૂ.ર૭ કરોડના ખર્ચે સુશોભિત કરાઇ હતી. માતા ભદ્રકાળી મંદિરના ચાચર ચોકથી ત્રણ દરવાજા સુધીનો પ્રથમ તબક્કાનો પ્રોજેકટ ફેબ્રુઆરી, ર૦૧પમાં પૂર્ણ કરાયા બાદ પણ લોકોપયોગી થયો નથી. કેમ કે પ્રોજેક્ટના પ્રારંભમાં જેટલાં પાથરણાંવાળા ત્યાં હતા તેનાં કરતાં અઢીગણા એટલે કે ૧૪૦૦ પાથરણાંવાળા આ સમગ્ર પરિસરમાં અસ્તિત્વમાં આવી ગયા છે! જેમને દૂર કરવાનો મામલો કોર્ટાધીન છે.

બીજી તરફ શહેરના શાસકોએ અપનાબજાર-ભદ્રથી ત્રણ દરવાજાથી ગાંધીરોડ થઇને કાલુપુર સુધી એએમટીએસની મિની બસ દોડાવવાની જાહેરાત કરી છે. શાસકપક્ષની આ જાહેરાતના પગલે મ્યુનિ. અધિકારીઓ દોડતા થઇ ગયા છે. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કારંજ પોલીસ સ્ટેશન પાસેથી ભદ્ર પ્લાઝા પરિસરના રોડ પરના પાથરણાંવાળાનાં દબાણોને ખસેડવા માટેનો પોલીસ બંદોબસ્ત મગાવાયો છે. મધ્ય ઝોનનાં ટોચનાં સૂત્રો કહે છે, અત્યારે ભલે પાથરણાંવાળાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે પરંતુ મિની બસનો અવરજવર માટે રોડ પરનાં દબાણને ખસેડવા સામે કોઇ કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પોલીસ તંત્રની મદદ મળતાંની સાથે તંત્રની દબાણની ગાડીઓ સહિત કાફલો દબાણ હટાવીને મિની બસની અવરજવરને સરળ બનાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે એએમટીએસ દ્વારા રિલીફ રોડ, ગાંધી રોડ જેવા શહેરના ગીચ બનેલા રસ્તા પરથી શહેરી બસ દોડતી કરવા આઠ મિની બસની તાજેતરમાં ખરીદી કરાઇ છે. જેનો ડ્રાઇવર કંડકટર સહિતનો કોન્ટ્રાક્ટ ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપાયો છે.
http://sambhaavnews.com/

You might also like