હડતાળિયા કર્મચારીઓ AMTS બસ પર પથ્થરમારો કરે છે

અમદાવાદ: અમદાવાદની જીવાદોરી સમાન ગણાતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટેશન સર્વિસ (એએમટીએસ) ના 1400થી વધુ હંગામી કર્મચારીઓ હડતાળ પર ઊતરી જવાનાે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં કૃષ્ણનગર અને ઓઢવમાં કેટલાક કર્મચારીઓએ બસ પર પથ્થરમારો કરીને કાચ તોડી નાખવાના બનાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. આવનારા દિવસોમાં વધુ બસોને નુકસાન થાય તેવી શક્યતાઓ છે.

પ્રાપ્ત મા‌િહતી અનુસાર એમએટીએસના 1400થી વધુ હંગામી કર્મચારીઓ 50 કરતાં વધુ દિવસથી હડતાળ પર ઊતરી જતાં બસવ્યવહાર પર માઠી અસર પડી છે ત્યારે હવે આ કર્મચારીઓએ પોતાની માગ નહીં સંતાષાતાં બસના કાચ તોડી નાખવાનું શરૂ કર્યું છે. બે દિવસ પહેલાં કૃષ્ણનગર વિસ્તારમાં હડતાળ પર ઊતરેલા કર્મચારીઓ એએમટીએસ બસ પર પથ્થરમારો કરીને ફરાર થઇ ગયા હતા. કૃષ્ણનગર પોલીસે આ મુદ્દે 7 થી 8 કર્મચારીઓ વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ત્યારે ગઇ કાલે સાંજે ઓઢવ ભિક્ષુકગૃહ પાસે પસાર થઇ રહેલી બસને બાઇક પર આવેલા શખ્સોએ રોકી હતી અને બસ પર પથ્થરમારો કરીને તેઓ ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં બસના કાચ તૂટી જતાં બસના ડ્રાઇવર શાહબાઝખાન અસલમખાન પઠાણે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. હડતાળ પર ઊતરેલા કર્મચારીઓ બસ પર પથ્થરમારો કરીને ફરાર થઈ ગયા છે.

You might also like