અેએમટીઅેસની બસ મ્યુનિ. કોર્પોરેશનની લોનથી દોડે છે!

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) દરરોજની રૂ. ૬૦ લાખની જંગી ખોટ કરે છે. તંત્રનાં અણધડ આયોજન અને ભાજપના શાસકોની બેદરકારીના કારણે એએમટીઅેસના ગત તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૫ની સ્થિતિઅે રૂ. ૧૮૭૨.૦૬ કરોડ એટલે કે ૧૮.૭૨ અબજના જબ્બર દેવાંના ડુંગર નીચે કચડાયું છે. એએમટીઅેસ ફક્ત અને ફક્ત કોર્પોરેશનના કારણે ચાલી રહી છે. બીજા અર્થમાં કોર્પોરેશનની ‘લોન’થી એએમટીએસની બસ ગબડે છે.

ગઈકાલે એએમટીઅેસના ચેરમેન ચંદ્રપ્રકાશ દવે દ્વારા રૂ. ૭.૭૭ કરોડના વધારા સાથે રૂ. ૫૩૫.૮૬ કરોડનું સુધારિત બજેટ રજૂ કરાયું છે. પરંતુ તંત્રના એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચને યથાવત્ રાખ્યો છે.

એએમટીએસ દિન પ્રતિદિન ધોળો હાથી પુરવાર થઈ રહી છે. આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટે પણ ભાજપના શાસકોઅે એએમટીઅેસ બસ ચલાવવા મ્યુનિ. સત્તાધીશો પાસે રૂ. ૩૩૫ કરોડની લોન માગી છે. કોર્પોરેશનના લોનના ટેકા વગર એએમટીઅેસની એક પણ બસ રોડ પર ઊતરી શકે તેમ નથી !

ભૂતકાળમાં કોર્ટે એએમટીઅેસની બસને નાણાકીય વ્યવહારની સમતુલા ન જાળવવા બદલ જપ્ત કરી હતી. અત્યારે પણ કોર્પોરેશન જો ખોબલે ખોબલે ભરીને એએમટીઅેસને નાણાકીય સહાયતા ન કરે તો પાછા કોર્ટ દ્વારા બસની જપ્તીના માઠા દિવસો આવી શકે છે! એએમટીઅેસના સત્તાવાળાઅો કોન્ટ્રાક્ટરોની ખાનગી બસ અને રાજ્ય સરકારની નાણાકીય મદદથી આવતી નવી બસ, બીઆરટીઅેસ ફીડર બસથી જેમ તેમ બસ દોડાવે છે તે કડવી વાસ્તવિકતા છે.

કોર્પોરેટરો દ્વારા પાંચ વર્ષમાં જ એએમટીઅેસને રૂ. ૧૦૭૦,૧૦ કરોડની નાણાકીય લોન આપી છે. ગત નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨થી આગામી ૩૧ માર્ચ, ૨૦૧૬ સુધીમાં મ્યુનિ. તિજોરીમાંથી લોન નાણાકીય સહાયતાનો અધધ વરસાદ વરસાવ્યો છે.

You might also like