દિવાળીના તહેવારોમાં AMTS બસનાં ધાંધિયાં ચાલુ રહેશે

અમદાવાદ: હાઇકોર્ટે ગયા બુધવારે એએમટીએસના કોન્ટ્રેક્ટ બેઈઝ કંડક્ટરોને રૂ.રપ૦૦ વચગાળાની રાહત તરીકે ચૂકવવાનો આદેશ કર્યો છે, પરંતુ હાઇકોર્ટનો આદેશ હજુ એએમટીએસના સત્તાવાળાઓ સુધી પહોંચ્યો નથી. બીજી તરફ હાઇકોર્ટમાં વેકેશન પડ્યું છે. આદેશની અધિકૃત નકલ તંત્રને મળી નથી એટલે કોન્ટ્રાક્ટ બેઈઝ કંડક્ટરોની હડતાળના સંદર્ભે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી એટલે બીજા અર્થમાં દિવાળીના તહેવારોમાં પણ ઉતારુઓને ત્રણસોથી ઓછી બસના કારણે હેરાનગતિ ઉઠાવવી પડશે. સવારની પહેલી પાળીમાં માંડ ૬પ૦ થી ૬૮પ બસો રોડ પર નીકળે છે. જ્યારે બીજી પાળીમાં તો ૪૦૦-૪પ૦ બસ રોડ પર મૂકતાં તંત્ર હાંફી જાય છે, કેમ કે આઉટ સોર્સિંગથી ફક્ત ૭૦ની હંગામી કંડકટર તરીકે નિમણૂક કરાઇ છે. બીજી તરફ આવતી કાલ કોન્ટ્રાક્ટ બેઈઝ કંડક્ટરોની હડતાળને એક મહિનો થશે. ઉતારુઓને બાનમાં લેનાર હડતાળિયા કંડક્ટરો પોતાનું અડિયલ વલણ છોડવા તૈયાર ન હોઇ અમદાવાદીઓની કમસે કમ એએમટીએસ બસના મામલે દિવાળી બગડવાની છે.

You might also like