અમરેલીઃ પૂતળા દહન મામલે વિરજી ઠુમ્મરે ભાજપનાં કાર્યકરો સામે નોંધાવી ફરિયાદ

અમરેલીઃ ભાજપ દ્વારા કોંગ્રેસનાં ધારાસભ્ય વિરજી ઠુમ્મરનાં પૂતળા દહન મામલે ભાજપનાં કાર્યકરો સામે વિરજી ઠુમ્મરે SPને ફરિયાદ નોંધાવી છે અને પરેશ ધાનાણીએ પણ ભાજપનાં કાર્યકરો સામે પગલા લેવા અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે જીતુ વાઘાણી પર વિવાદીત નિવેદન આપ્યા બાદ ભાજપનાં કાર્યકર્તાઓએ વિરજી ઠુમ્મરનાં પૂતળાનું દહન કર્યું હતું. વિરજી ઠુમ્મર અને પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં.

મહત્વનું છે કે કોંગ્રેસનાં ધારાસભ્ય વીરજી ઠુમ્મરે કરેલા ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અંગે આપેલાં વિવાદાસ્પદ નિવેદનને લઇ ગઇ કાલે અમદાવાદ સ્થિત કોંગ્રેસ ભવન ખાતે વીરજી ઠુમ્મરનાં નિવેદનનો વિરોધ કરવા માટે ભાજપનાં અનેક કાર્યકર્તાઓ ઉમટી પડ્યાં હતાં. ભાજપનાં આ કાર્યકર્તાઓએ ત્યાં ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

ભાજપનાં આ વિરોધ પ્રદર્શન વખતે મહત્વની બાબત તો એ હતી કે એવાં સમયે ઘટના સ્થળે ભાજપ અને કોંગ્રેસનાં અનેક કાર્યકર્તાઓ આમને સામને આવી ગયાં હતાં. પરિણામે કોંગ્રેસ ભવન એક પ્રકારે સમરાંગણ બની ગયું હતું.

બંને પક્ષનાં કાર્યકર્તાઓ આમને સામને આવી જતા ઝપાઝપી પણ થઇ હતી જેને લઇને ઘટના સ્થળે પોલીસનો કાફલો ઉતારી દેવાયો હતો. આ કાર્યકર્તાઓને છોડાવવા માટે પોલીસે દરમ્યાનગીરી કરવાની ફરજ પડી હતી. જો કે હવે ભાજપે એવી માંગણી કરી છે કે વીરજી ઠુમ્મર જીતુ વાઘાણીની માફી માંગે.

મહત્વનું છે કે વિરજી ઠુમ્મરનાં પૂતળાનું દહન કરાયું હોવાંની પણ ઘટના સામે આવી હતી. જેથી વિરજી ઠુમ્મરે ભાજપનાં કાર્યકરો વિરૂદ્ધ SPને આ મામલે ફરિયાદ નોંધાવી છે અને કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

You might also like