એમોનિયા ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં ભારે દોડધામઃ મોટી દુર્ઘટના ટળી

અમદાવાદ: અંક્લેશ્વર રાજપીપળા ચોકડી પાસે એમોનિયા ગેસ ભરેલી ટેન્કર અકસ્માતે પલટી ખાઈ જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. જો કે સદ્દનસીબે મોટી દુર્ઘટના થતાં ટળી હતી. પરંતુ અનેક લોકોને ગેસની ગંભીર અસર થઈ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એ‍વી છે કે અંક્લેશ્વર રાજપીપળા ચોકડી પાસે વર્ષા હોટલ નજીકથી પસાર થઈ રહેલ એમોનિયા ભરેલું ટેન્કર અચાનક જ પલટી ખાઈ જતાં ગેસના વાલ્વ લીક થઈ ગયા હતા અને ગેસ ગળતર થવાનું શરૂ થયું હતું જેના કારણે આ રોડ પરથી પસાર થતાં અનેક વાહનચાલકો અને રાહદારીઓને શ્વાસોશ્વાસમાં તકલીફ ઊભી થઈ હતી. આ ટેન્કર ગેસનો જથ્થો ભરી વડોદરાના નંદેસરી જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ઘટનામાં ટેન્કરનો ચાલક ગંભીરપણે દાઝી જતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ વાલ્વ તૂટી ગયા હોવાથી ગેસ લીકેજ બંધ કરવામાં ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. ગેસની અસરના કારણે અનેક લોકોને ઉધરસ અને આંખોમાં બળતરા થતાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. પુરા પાંચ કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે ગેસ ગળતર બંધ કર્યું હતું. ગેસ ભરેલું ટેન્કર પલટી ખાઈ જવાના જાણ થતાં જ પોલીસ તેમજ ડીપીએમસીની ટીમો પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સમયસરની કામગીરીના કારણે મોટી દુર્ઘટના થતાં ટળી હતી.

You might also like