અમિતાભ ટ્વિટરથી થયા નારાજ, આપી ધમકી, ‘ટ્વિટર છોડી દઈશ!’

મુંબઇ, ગુરુવાર
બોલિવૂડની સાથે સાથે સોશિયલ મીડિયામાં શહેનશાહ બનેલા અમિતાભ બચ્ચને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર છોડવાના સંકેત આપ્યા છે. અમિતાભ ટ્વિટરથી નારાજ દેખાય છે. ગઇકાલે મોડી રાત્રે ટ્વિટ કરીને બિગ બીએ પોતાની નારાજગી વ્યકત કરી છે. અમિતાભે ટ્વિટર પર આક્ષેપ કર્યો છે કે ટ્વિટરે તેના ફોલોઅર્સ ઘટાડી દીધા છે.

અમિતાભે બુધવારે રાત્રે ૧૧.૩પ વાગ્યે ટ્વિટ કર્યું કે, ટ્વિટર તમે મારા ફોલોઅર્સ ઘટાડી દીધા છે. આ મને મજાક લાગી રહી છે. હવે સમય થઇ ગયો છે વિદાય લેવાનો. અત્યાર સુધીની સફર માટે ધન્યવાદ. આ ઉપરાંત અમિતાભે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉલ્લેખ કરતાં ટ્વિટમાં આગળ લખ્યું છે કે, આ સમુદ્રમાં હજુ પણ ઘણી માછલીઓ છે અને તે વધુ રોચક છે.

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન લાંબા સમયથી પીએમ નરેન્દ્ર મોદી બાદ ભારતમાં બીજા સૌથી વધુ ફોલો થતા વ્યકિત હતા, પરંતુ બુધવારના આંકડાઓ બાદ અભિનેતા શાહરુખ ખાન બીજા નંબરે આવી ગયો. શાહરુખ ખાનના હાથમાં ૩,ર૯,૩૬,ર૬૭ ફોલોઅર્સ છે. જ્યારે અમિતાભના ૩,ર૯,૦૦,પ૯૦ ફોલોઅર્સ છે.

હવે એ જોવાનું દિલચસ્પ હશે કે ટ્વિટર પોતાના ખાસ યુઝરને જતાં કેવી રીતે રોકે છે. શું અમિતાભે ટ્વિટર છોડવા માટે ટ્વિટ કર્યું તેનો કોઇ જવાબ ટ્વિટર તરફથી આવે છે કે નહીં?

You might also like