રણબીરને લઇને બિગ બીએ કહી દીધી આટલી મોટી વાત

તાજેતરમાં જ સંજય દત્તની બાયોપિક ‘સંજૂ’નું ટીઝર રિલીઝ થયું હતું. આ ટિઝરથી રણબીર કપૂરે સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યુ છે. આ ટિઝરને અત્યાર સુધીમાં 3 કરોડ કરતાં વધુ લોકો જોઈ ચૂક્યાં છે. ‘સંજૂ’ના ટીઝરમાં રણબીર કપૂર એકદમ સંજય દત્ત જેવો જ લાગી રહ્યો છે. રણબીર કપૂરનો આ અંદાજ ફેન્સને તો પસંદ આવી જ રહ્યો છે સાથે સાથે બી ટાઉનના અનેક મોટા સ્ટાર્સે પણ ટિઝરના વખાણ કર્યાં હતાં. જેમાંથી બિગ બી પણ બાકાત નથી.

જી હા, અમિતાભ બચ્ચન પોતાની અપકમિંગ ફિલ્મ 102 નૉટ આઉટનું પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે રિષિ કપૂર પણ જોવા મળશે, જોકે નોંધનીય છે કે ‘ બ્રહ્માસ્ત્ર’ માં પણ અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર સાથે કામ કરી રહ્યાં છે. જ્યારે એક ઈન્ટરવ્યૂમાં અમિતાભ બચ્ચનને રણબીર કપૂર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ”મેં હજુ સુધી રણબીર સાથે ‘બ્રહ્માસ્ત્ર’નું શેડ્યૂલ ચાલું નથી કર્યું. પણ જ્યારે હું સંજય લીલા ભણશાલીની ‘બ્લેક (2005)’ માં કામ કરતો હતો ત્યારે તે આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. તેણે જ આયેશા કપૂર (જેણે રાની મુખર્જીનો નાનપણનો રોલ કર્યો હતો.)ને ટ્રેનિંગ આપી હતી.”

અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, ”રણબીર ગોડ ગિફ્ટેડ કલાકાર છે. ‘બ્લેક’ દરમિયાન જ્યારે પણ શોટ્સ વચ્ચે મને સમય મળતો હતો ત્યારે હું નિરાંતે રણબીરની ટ્રેનિંગ જોતો હતો. તે અસાધારણ કલાકાર છે. હું ખરેખર તેનો પ્રશંસક છું. હું ખરેખર નસીબદાર છું કે મને પિતા-પુત્રની જોડી સાથે એક જ વર્ષમાં કામ કરવા મળ્યું. આ મારા માટે આશીર્વાદ સમાન છે.”

નોંધનીય છે કે અમિતાભ બચ્ચન ઋષિ કપૂર સાથે પણ અનેકવાર કામ કરી ચૂક્યાં છે. આ જ વર્ષે આ બન્ને સ્ટાર્સની ‘102 નોટ આઉટ’ પણ રિલીઝ થવા જઈ રહી છે. જેમાં તેઓ બાપ-દીકરાના રોલમાં જોવા મળશે. જ્યારે આવતાં વર્ષે અમિતાભ બચ્ચન રણબીર કપૂર સાથે ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે

You might also like