અમિતાભ બચ્ચન અને પુત્રી શ્વેતા બચ્ચનના ડેબ્યૂ પર ગ્રહણ લાગ્યું

મુંબઈ: મહાનાયક અમિતાભ બચ્ચન આજે બોલિવૂડમાં ખૂબ જ એક્ટિવ છે. તેમના પરિવારના દરેક સભ્ય બોલિવૂડમાં પોતાનો જલવો બતાવી ચૂક્યા છે. પુત્ર અભિષેક બચ્ચન હોય કે પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન કે પછી પત્ની જયા બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની એક્ટિંગના દમ પર તેમની અલગ જ ઓળખ છે.

માત્ર પુત્રી શ્વેતા બચ્ચન નંદા હજુ સુધી એક્ટિંગના ક્ષેત્રથી દૂર રહી હતી. તેણે પોતાના પિતા સાથે એક જ્વેલરીની એડ્માં કામ કર્યું હતું, જે ટીવી પર આવતાં જ છવાઈ ગઈ, પરંતુ હવે આ એડ્ પર થયેલા વિવાદના કારણે કંપનીએ તેને બંધ કરવાનું નક્કી કર્યું છે.

આ જાહેરાતને લઈને એક બેન્ક યુનિયન તરફથી આપત્તિ વ્યક્ત કરાઈ હતી. તેમનું માનવું હતું કે આ જાહેરાત દ્વારા બેન્કની કાર્યપ્રણાલીમાં અવિશ્વાસ પેદા કરવાની કોશિશ થઈ છે. ત્યાર બાદ એવું સાંભળવા મળ્યું કે હવે એડ્ મેકર દ્વારા આ એડ્ને બંધ કરી દેવાઈ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જાહેરાતના કારણે લાખો બેન્ક કર્મચારીઓની ભાવનાને ઠેસ પહોંચી છે, જેના કારણે શ્વેતા બચ્ચનનું એક્ટિંગ ડેબ્યૂ એક બાજુ ધકેલાઈ ગયું છે.‌ બિગ બી ફિલ્મો ઉપરાંત વિજ્ઞાપન જગતનું જાણીતું નામ છે. આવા સંજોગોમાં પુત્રીની સાથે પહેલી જાહેરાતને લઈ તેમણે પોતાની ખુશી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી.

આ જાહેરાતમાં અમિતાભ વૃદ્ધ વ્યક્તિના રોલમાં દમદાર એક્ટિંગ કરતાં જોવા મળ્યા હતા તો બીજી તરફ શ્વેતાએ પણ ખાસ છાપ છોડી હતી.

You might also like