મમતાના ગઢમાં મહાગઠબંધન વિરુદ્ધ બ્યૂગલ ફૂંકવાં પહોંચશે અમિત શાહ

(એજન્સી) કોલકાતા: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના માલદામાં એક વિશાળ જનસભા સંબોધિત કરશે. આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે જનાર અમિત શાહ અહીં ભાજપ તરફથી લોકસભા ચૂંટણીનું પ્રચાર અભિયાન શરૂ કરશે. માલદાની આ સભા બાદ બુધવારે તેઓ વીરભૂમિ અને ગુરુવારે નાદિયા જિલ્લામાં પણ જનસભા સંબોધશે.

આજે માલદામાં યોજાનાર અમિત શાહની રેલીને મમતા બેનર્જી અને મહાગઠબંધનની મોરચાબંધી વિરુદ્ધ શક્તિ પ્રદર્શનના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. અમિત શાહની આ રેલી પહેલા તેની અનુમતિને લઈને ભાજપ અને મમતા સરકારમાં ખૂબ જ વાદવિવાદ થઈ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહની સભામાં પણ તેની અસર જોવા મળશે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભાજપના આ મોટા કાર્યક્રમો માટે રાજ્ય એકમ પણ સંપૂર્ણ તાકાતથી તૈયારીઓમાં જોડાયું છે.

આજે યોજાનાર આ રેલી પહેલા પશ્ચિમ બંગાળ સરકારે અમિત શાહને માલદા એરપોર્ટ પર હેલિકોપ્ટર લેન્ડિંગની અનુમતિ આપવાનો ઈનકાર કરી દીધો હતો. એરપોર્ટ પર નિર્માણ કાર્ય જારી હોવાની વાત કરતા માલદાના જિલ્લા પ્રાસાશને અહીં હેલિકોપ્ટર લેન્ડિંગની પરવાનગી આપી ન હતી. જ્યારે ભાજપે આ નિર્ણયને રાજકીય સાજિશ ગણાવી ત્યારે મમતા સરકારે માલદામાં અમિત શાહની હોટલ પાસે હેલિકોપ્ટર ઉતારવાની પરવાનગી આપી.

સરકારના આ નિર્ણય બાદ મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે અમે કોઈને અનુમતિ આપવાનો ઈન્કાર કર્યો નથી, પરંતુ ભાજપ અધ્યક્ષની સુરક્ષાને ધ્યાનમાં લેતા પોલીસે તેમને સ્થાન બદલવાનું કહ્યું હતું. મમતાએ કહ્યું કે તેમને પણ ક્યારેક પોલીસ આવા આદેશ આપે છે, પરંતુ તેઓ લોકતંત્ર પર ભરોસો રાખે છે અને આ કારણે રેલીની અનુમતિ પણ અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં શાહનું પ્રચાર અભિયાન પહેલાં ૨૦ જાન્યુઆરીથી શરૂ થવાનું હતું, પરંતુ સ્વાઈન ફ્લુ થવાના કારણે આ કાર્યક્રમ રદ કરી દેવાયો હતો.

You might also like