વિધાનસભા ચૂંટણી મિશન: અમિત શાહ રાજસ્થાનની મુલાકાતે, કાર્યકર્તાઓને આપશે ચૂંટણી માર્ગદર્શન

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે રાજસ્થાનની એક દિવસીય મુલાકાતે પહોંચશે. અમિત શાહ રાજસ્થાન ખાતે ચાર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

ભાજપના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમિત શાહ જયપુર ખાતે સંભાગ શક્તિ કેન્દ્રના પ્રમુખ સાથે બેઠક કરશે. તેમજ પક્ષના સહકારિતા પ્રકોષ્ટ તેમજ પ્રદેશ પદાધિકારીઓ સાથે રાજ્યમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને બેઠક કરશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી વિધાનસભાની તૈયારી રૂપે અમિત શાહ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તઓ સાથે રણનીતિ તૈયાર કરશે. આ બેઠકોના દૌર અગાઉ અમિત શાહ હવાઇ માર્ગથી જયપુર પહોંચશે તેમજ તેઓ ત્યાંથી સીધા મોતી ડૂંગરી ગણેશ મંદિરમાં પુજા અર્ચના કરશે.

ત્યારબાદ સુરજ મેદાન ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મુલાકાત એવા સમયે છે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતે યોજાનાર છે.

You might also like