હેલિકોપ્ટર લેન્ડિંગની મંજૂરી ના મળતાં વીરભૂમિ ખાતેની અમિત શાહની રેલી રદ

(એજન્સી) કોલકાતા: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની વીરભૂમિમાં યોજાનારી રેલીને ફરી એક વખત ગ્રહણ લાગ્યું છે. પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે હેલિકોપ્ટર લેન્ડિંગ માટે મંજૂરી ન આપતા આખરે અમિત શાહની રેલી રદ્દ કરવી પડી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના માલદામાં એક વિશાળ રેલીને સંબોધિત કર્યા બાદ તબિયત ઓચિંતી બગડતાં અમિત શાહને ફરીથી દિલ્હી પરત ફરવું પડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હજુ ગયા સપ્તાહે જ સ્વાઈન ફ્લૂની બીમારીના કારણે અમિત શાહને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે સાંજે તેઓ બંગાળથી દિલ્હી પરત ફર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને તાવ આવ્યા બાદ ડોક્ટરોએ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. આમ પણ ખરાબ તબિયતના કારણે અમિત શાહ આજે યોજાનારી ઝાલગ્રામ ખાતેની રેલીમાં ભાગ લઈ શકવાના નહોતા.

ઉલ્લેખનીય છે કે, અમિત શાહની રેલી પહેલેથી જ વિવાદના કેન્દ્રમાં રહી છે. માલદાની જેમ જ હવે ઝાલગ્રામ ખાતે પણ અમિત શાહના હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી મળી નથી. સતત બીજી વખત પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા શાહના હેલિકોપ્ટર લેન્ડિંગને પરવાનગી આપવામાં આવી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝાલગ્રામના જિલ્લા અધિકારીએ ભાજપને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપી નથી. પક્ષના ટોચના નેતાઓ અને સ્થાનિક કાર્યકરોએ આખી રાત ડીએમને મનાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેમને સફળતા મળી ન હતી. રોષે ભરાયેલા ભાજપના કાર્યકરોએ હવે ડીએમ ઓફિસની બહાર ધરણાં સહિતના ઉગ્ર પ્રદર્શનો કરવાની ચીમકી પણ આપી છે.

મહિલા જિલ્લાધિકારી હોવાના કારણે ભાજપ તરફથી મહિલા મોરચાને આગળ કરવામાં આવ્યો છે. મહિલા મોરચો આજે ડીએમ ઓફિસની બહાર ધરણાં અને પ્રદર્શન કરશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ માલદામાં પણ અમિત શાહના હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જેના કારણે છેક છેલ્લી ઘડીએ એક ખાનગી હોટલના ગ્રાઉન્ડમાં હેલિકોપ્ટરને ઉતારવાની ફરજ પડી હતી.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગઈકાલે મંગળવારે માલદાની રેલીમાં પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકાર પર જોરદાર હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ પશ્ચિમ બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની સરકારને ઉખાડી ફેંકશે. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી અગાઉથી જ ભાજપ પશ્ચિમ બંગાળમાં પૂરું જોર લગાવી રહ્યો છે. અમિત શાહે અહીંની કુલ ૪૨ લોકસભા બેઠકોમાંથી ૨૨થી વધારે સીટ જીતવાનો લક્ષ્ય રાખ્યું છે.

You might also like