શાહે રાજ્યસભાની ટીકિટ મળતા ધારાસભ્યપદ પરથી આપ્યું રાજીનામું

ગાંધીનગર : 20 વર્ષ સુધી ગુજરાતમાં ધારાસભ્ય પદ પર રહી ચૂકેલા અમિત શાહ રાજ્યસભાના સભ્યતરીકે ચૂંટાયા બાદ આજે ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે. અમિત શાહે વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાના બંગલે જઈને રાજીનામું સુપ્રત કર્યું હતું. જેમાં તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

રાજ્યસભાની ચૂંટણીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિજયી બનતાં તેમનું વજન હવે રાષ્ટ્રીય લેવલે સુધી મજબૂત બની ગયું છે. મળતી માહિતી મુજબ નજીકના ભવિષ્યમાં તેઓ મોદી સરકારની કેબિનેટમાં મહત્વનો ચાર્જ સંભાળી શકે છે. હાલ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ અને 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં તો શક્ય નથી.

20 વર્ષથી અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ચૂંટાયેલા અમિત શાહે રાજ્યસભામાં ચૂંટાતા વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે. તેમની ખાલી પડેલી બેઠક પરથી અમિત શાહના વફાદારની પસંદગી કરવામાં આવશે. તે ઉપરાંત ગુજરાત ભાજપના ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયામાં અમિત શાહનો રોલ મોટો હશે, કારણ કે તેમનો ટારગેટ 150થી વધુ બેઠકો મેળવવાનો છે. અમિત શાહે પાર્ટી અધ્યક્ષ તરીકે ત્રણ વર્ષ પૂરાં કર્યા છે અને હાલના ધારાસભ્યો પૈકી 45 થી 50 સભ્યોને જ પાછા લાવી શકે છે.

You might also like