અમિત શાહ-નીતીશકુમારની ડિનર ડિપ્લોમસીઃ અનેક અટકળો

પટણા: બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ વચ્ચે આજે ડિનર ડિપ્લોમસી હેઠળ અગત્યની બેઠક યોજાવાની છે ત્યારે માહિતી મળી રહી છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં સીટની વહેંચણીને લઇ આ બેઠકમાં નિર્ણાયક વાતચીત કરી શકે છે. જેડી(યુ) અને ભાજપ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચેના મામલા પર નજર રાખનાર જાણકારોનું માનવું છે કે જેડી(યુ) અને ભાજપ પર સીટને લઇ પડકારો છે.

આ અંગે કેટલાંક રાજકીય પંડિતોનું માનવું છે તે જનતા દળ (યુનાઇટેડ) ગઠબંધન પાર્ટનર ભાજપથી સીટને લઇ સ્થિતિ સ્પષ્ટ કરવા માગે છે. તે અંતર્ગત સીટની વહેંચણી અને એનડીએના સહયોગીઓની વચ્ચે પરસ્પર સહમતી બનવાને લઇ નિર્ણાયક શરૂઆત થઇ શકે છે.

પટણાની એક દિવસની મુલાકાતે ગયેલા અમિત શાહની મુલાકાત બિહારના મુખ્યપ્રધાન સાથે નાસ્તા અને ડિનર દરમ્યાન થશે. ભાજપના અધ્યક્ષ બિહારમાં સાથી પક્ષ જેડી(યુ) સાથે સીટની વહેંચણી સાથે ચૂંટણી અગાઉ પોતાની પાર્ટીની તૈયારીઓ અંગે પણ માહિતી મેળવશે. મહાગઠબંધનમાંથી બહાર નીકળવું અને ભાજપ સાથે સરકાર રચ્યા બાદ આ પહેલી વખત છે જ્યારે શાહ બિહારના બીજા જ દિવસે જઇ રહ્યા છે. ગત વર્ષે જુલાઇમાં જ નીતીશકુમાર મહાગઠબંધનને છોડી ફરી એનડીએમાં સામેલ થઈ ગયા હતા.

જેડી(યુ)ના એક સૂત્રએ જણાવ્યું હતું કે જો જેડી(યુ)ને તેની ચોક્કસ સીટની સંખ્યાની જાણ થઇ જશે તો અમારા માટે એ સરળ થઇ જશે કે અમે અમારી સીટની ઓળખ કરી શકીએ. પાર્ટી એ સીટ પર મજબૂતીની સાથે તૈયારી શરૂ કરશે, જ્યાં અમારી જીતવાની સંભાવના સૌથી વધુ છે. ગત લોકસભાની ચૂંટણીમાં જેડી(યુ)એ ભાજપ સાથે સંબંધ તોડી એકલા જ ચૂંટણી લડી હતી.

You might also like