મોનસૂન સત્ર : અમિત શાહે અરૂણ જેટલી સાથે તૈયાર કરી રણનીતિ

આવતા બુધવારથી શરૂ થઇ રહેલા મોનસૂન સત્રને લઇને ભાજપે વિપક્ષના હુમલાને ખાળવા તેમજ મહત્વના બિલ પસાર કરવા રણનીતિ બનાવવાની શરૂઆત કરી દીધી છે. આ ક્રમ હેઠળ મંગળવારના રોજ ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને અરૂણ જેટલી વચ્ચે ભાવી રણનીતિ પર ચર્ચા કરી હતી.

આ દરમિયાન આ સત્રમાં રાજ્યસભામાં ઉપસભાપતિ પદ માટે યોજાનારી ચૂંટણી પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ભાજપા અને સરકારની યોજના હેઠળ આ સત્રમાં ત્રણ તલાક અને ઓબીસી આયોગને સંવેધાનિક દરજ્જો આપનાર બિલને કોઇપણ સંજોગોમાં પસાર કરવાની યોજના છે.

અમિત શાહ કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ ઘરે સ્વાસ્થયને લઇને ઘરે રહેલા અરૂણ જેટલી સાથે તેમના નિવાસ સ્થાને બેઠક યોજી હતી. આ બેઠકમાં રેલ પ્રધાન પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે દોઢ કલાક ચાલેલી આ બેઠકમાં સત્ર દરમિયાન વિપક્ષના હુમલાને કરારો જવાબ આપવા તેમજ ઉપસભાપતિની ચૂંટણી પર ચર્ચા કરવામાં આવી હતી.

સૂત્રોને મળતી જાણકારી મુજબ વિપક્ષને ટક્કર આપવા ભાજપ આ પદનો પ્રસ્તાવ અકાલી દળ અથવા ટીડીપીને આપી શકે છે. ઉલ્લેખનીય છે રાજ્યસભામાં સૌથી મોટી પાર્ટી હોવા છતા એનડીએ બહુમતિથી દૂર છે. મોનસૂન સત્ર અગાઉ સરકારે 17 જૂલાઇના રોજ સર્વદળીય બેઠક બોલાવી છે.

You might also like