અમિત શાહે પોતાનાં ઘર પર ધ્વજ લગાવી ‘મેરા પરિવાર ભાજપા પરિવાર’ અભિયાન શરૂ કર્યું

728_90

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે સવારે મેરા પરિવાર ભાજપા પરિવાર રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ અમદાવાદ ખાતેના તેમના નિવાસસ્થાનેથી કરાવ્યો હતો. તેમણે પોતાના થલતેજ સ્થિત નિવાસસ્થાન પર ભાજપનો ધ્વજ ફરકાવીને ઘર ઘર ચાલો અભિયાનની શરૂઆત પણ કરાવી હતી.

ત્યારબાદ અમિત શાહ જીપમાં બેસીને હજારો કાર્યકર્તાઓની રેલી સાથે થલતેજથી બોડકદેવમાં આવેલા દીનદયાળ હોલ સુધી પહોંચ્યા હતા. પંડિત દીનદયાળ હોલમાં હજારો કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપીને તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. તેમણે ૩ માર્ચે રાજ્યની તમામ વિધાનસભા બેઠક પર ‘વિજય સંકલ્પ રેલી’ યોજવાની જાહેરાત કરી હતી.

તેમણે રાજ્યની ર૬ બેઠકો પર જીત મેળવવા માટેનો કાર્યકર્તાઓને સંકલ્પ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સંગઠનના કાર્યક્રમો થકી નરેન્દ્ર મોદીને ફરી વડા પ્રધાન બનાવવાના છે. આ ચૂંટણીમાં ગત ચૂંટણી કરતાં પણ વધુ મતથી જીતવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતોે. કાર્યકરોને તેમણે કહ્યું હતું કે જે કાર્યકરો ધ્વજ લગાવે તે સોશિયલ મી‌િડયા થકી પ્રચાર કરે.

ર૦ કરોડ મતદાતા નરેન્દ્ર મોદીના સમર્થનમાં છે. વિપક્ષો પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે જો ગઠબંધન સરકાર બનશે તો દરરોજ એક નવા પીએમ હશે. ગઠબંધનના નેતા કોણ છે તે હજુ સુધી કોઇ જાણતું નથી. તેમણે કહ્યું હતું કે નોર્થ ઇસ્ટથી લઇને કન્યાકુમારી અને આસામથી લઇને ગુજરાત સુધી દેશની જનતા નરેન્દ્ર મોદીના સમર્થનમાં છે. મહાસંકલ્પ અભિયાન કમળ જ્યોત અભિયાન અને વિજય સંકલ્પ રેલીના કાર્યક્રમો દ્વારા ભાજપના દરેક કાર્યકર્તાના પૂરા પરિશ્રમ સાથે માઇક્રોપ્લા‌િનંગથી અમે આગળ વધીશું. યુપીએ સરકારે ખેડૂતો માટે દેવાં માફીના નામે માત્ર મજાક કરી છે. અમારી સરકારે દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.

દરમિયાનમાં આજથી ગુજરાતભરના ભાજપના કાર્યકર્તાઓ ઘેર ઘેર ભાજપનો ઝંડો લહેરાવશે અને બૂથ સ્તર પર જઈને ઘેર ઘેર કાર્યકર્તાઓને મળીને ભાજપનો પ્રચાર કરશે, સાથે-સાથે મારો પરિવાર ભાજપ પરિવારનું ‌િસ્ટકર પણ દરેક ઘરમાં લગાવશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચાર સાહિત્ય માટે કુલ ૮૦ પ્રકાશન કેન્દ્ર શરૂ કરાયાં છે, જેમાં પ્રચાર અંગેની તમામ સામગ્રી તૈયાર થશે.

ર૬ ફેબ્રુઆરીએ ભાજપના કાર્યકર્તાઓ ઘેર ઘેર કમળ આકારનો દીવો પ્રજ્વલિત કરશે એટલું જ નહીં, લોકોને મતદાન મથક સુધી પહોંચવા અપીલ કરશે.  આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પક્ષના પ્રદેશ પ્રભારી ઓમ માથુર, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ, પ્રધાનો, ધારાસભ્યો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

You might also like
728_90