અમિત શાહે ધ્વજારોહણ કર્યું અને ત્રિરંગો તરત નીચે આવ્યો

નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટી વડામથકમાં ત્રિરંગો ફરકાવ્યો. તેમણે ધ્વજારોહણ માટે દોરી જેવી નીચે ખેંચી કે તરત જ ત્રિરંગો થાંભલા પરથી નીચે આવી ગયો. તેમણે તરત જ રાષ્ટ્રધ્વજને સંભાળ્યો અને સલામી આપી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ ઘટના માટે ભાજપને લાગમાં લીધું છે.

કોંગ્રેસે ટ્વિટર પર વીડિયો શેર કરીને લખ્યું કે જે વ્યક્તિ દેશનો ઝંડો સંભાળી નથી શકતી તે દેશ શું સંભાળશે? દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે ત્રિરંગા દ્વારા ભારત માતા કહેવા ઇચ્છે છે કે તે દુઃખી છે.

કેજરીવાલે મોદી સરકાર પર પણ નિશાન સાધતાં કહ્યું કે પ્રકૃતિનો ખેલ પણ અજબ છે. કોઇ ભલે જેટલું પણ શકિતશાળી થઇ જાય, પરંતુ કુદરતની સામે બધાં નાનાં છે. ત્રિરંગાએ અમિત શાહના હાથે લહેરાવવાનો ઇનકાર કરી દીધો. આ ત્રિરંગા દ્વારા ભારત માતા કંઇક કહી રહ્યાં છે કે તે દુઃખી છે.

ધ્વજારોહણ સમયે પહેલાં પણ આવી ઘણી ઘટનાઓ બની ચૂકી છે, જ્યારે નેતાઓએ શરમ અનુભવવી પડી હોય. ર૦૧૬માં પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફતીએ શ્રીનગરમાં ૧પ ઓગસ્ટે ત્રિરંગો ફરકાવ્યો હતો, પરંતુ તે થાંભલા પરથી નીચે આવી ગયો.

ત્યારબાદ મહેબૂબાએ ત્રિરંગાને સલામી આપી ત્યાં સુધી લોકો તેને પકડીને ઊભા હતા. થોડાં વર્ષ પહેલાં ભારતીય જનતા દળ મુખ્યાલયમાં મુખ્યપ્રધાન નવીન પટનાયક સાથે પણ આવી જ ઘટના બની હતી.

You might also like