અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાત ટૂંકાવી લખનૌ રવાના

અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ત્રણ દિવસ માટે ગઇ કાલે ગુજરાતની મુલાકાતે આવ્યા બાદ ફરી એક વખત તેમણે રોકાણ ટુંકાવી લખનૌની વાટ પકડતાં અનેક રાજકીય અટકળો અને ચર્ચાઓ પક્ષમાં શરૂ થઇ ગઇ છે. દિવાળી પછી ફરી એક વાર ત્રણથી ચાર દિવસના રોકાણની તૈયારી સાથે આવેલા અમિત શાહ લખનૌ જવા રવાના થયા છે.

અમિત શાહ ગઇ કાલે બપોરે અમદાવાદ આવ્યા હતા. ગઇ કાલે બપોર પછી સતત તેમની રાજકીય મુલાકાતોનો દોર ચાલુ રહ્યો હતો. ગઇ કાલે પ્રદેશની ટીમના ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રી, યુવા મોરચો, મહિલા અને ઓબીસી, એસસીએસટી લઘુમતી મોરચાના અધ્યક્ષોની ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂકો માટે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત ગણતરીના આગેવાનો સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે.

સહકારી બેન્કોમાં રદ થયેલી નોટોની બદલી અને ડિપોઝીટના મુદ્દે જિલ્લા સહકારી બેન્કોને રિઝર્વ બેન્કે કરેલા મનાઇહુકમ સંદર્ભે જિલ્લા સહકારી બેન્કના ચેરમેન અને આરોગ્ય તથા તબીબી શિક્ષણ ખાતાનો સ્વતંત્ર હવાલો સંભાળી રહેલા પ્રધાન શંકરભાઇ ચૌધરી સહિત સહકારી આગેવાનોએ તેમની સમક્ષ રજૂઆત કરી હતી તો સાથે-સાથે એપીએમસીમાં સહકાર ખાતાના સંસદીય સ‌િચવ બાબુભાઇ જમનાદાસ પટેલ પણ અમિત શાહને ગઇ કાલે મળ્યા હતા. એપીએમસીના પ્રમુખ કેતન પટેલે ભરતી કૌભાંડના મુદ્દે રાજીનામું આપ્યું તે બાબતે તેમણે ચર્ચા કરી હોવાનું મનાય છે.

ગઇ કાલે ઘાટલોડિયામાં યોજાયેલા એક સામાજિક કાર્યક્રમમાં તેમની સાથે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ જોડાયાં હતાં. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે અમિત શાહ લખનૌમાં આયોજિત યુવા સંમેલનમાં ભાગ લેવા નીકળી ગયા છે. તેઓ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા.
visit : www.sambhaavnews.com

You might also like