અમિત શાહ અમદાવાદમાંઃ ભાજપમાં બેઠકોનો ધમધમાટ

અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે અમદાવાદમાં છે. આજની તેમની મુલાકાત સંગઠનમાં નિમણુંકો, બોર્ડ નિગમોમાં નિમણુંકોથી લઇને પાટીદાર ફેકટર સાથેના ગુજરાતનાં રાજકારણમાં ફેરફારોના સંકેત આપી રહી છે. કાલે રાત્રે અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. ત્યારે આજે સવારથી જ તેમના નિવાસસ્થાન કુસુમ વિલામાં રાજકીય આગેવાનો અને મુલાકાતીઓનો મેળાવડો જામ્યો છે.

આજે અમિત શાહના અંગત ગણાતા હર્ષદ પટેલની આર.આર. દ્વિવેદી શાળાના એક કાર્યક્રમમાં અમિત શાહે હાજરી આપી હતી.આજે જૈનોનાં પર્વ ગણાતા મહાવીર જયંતી નિમિત્તે અમિત શાહે સેટેલાઇટ દેરાસરની મુલાકાત લઇ શીશ ઝુકાવ્યું હતું અને ભગવંતોના આશીર્વાદ મેળવ્યા હતા.

ટાઉન હોલ ખાતેના શાળાના કાર્યક્રમ બાદ સાંજે અમિત શાહ પ્રદેશ કાર્યાલય ‘કમલમ્’ ખાતે કોર કમિટી સાથે ચર્ચા કરશે પ્રદેશ ભાજપ સાથેની આજની બેઠકનો મુખ્ય એજન્ડા ૮મી સપ્ટે.નો સુરતનો કાર્યક્રમ અને પાટીદારોને ફરી ભાજપ તરફ વાળવાનો પ્રયાસ અંગેનો રહેશે. સુરતનો કાર્યક્રમ સફળ થાય અને પાટીદાર આંદોલનકારીઓ તેમાં કોઇ વિઘ્ન ઊભું ન કરે માટે પણ લેવાનારાં પગલાં અંગેની ચર્ચા હાથ ધરાશે.

આવતી કાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા અને ગૃહ સચિવની બેઠક યોજાઇ છે. જેમાં સુરતના ૮મીના કાર્યક્રમ બાબતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે બાબત ચર્ચાશે. અમિત શાહ વ્યક્તિગત રસ લઇને સુરતનાં પાટીદાર આંદોલનને સફળ બનાવવા જઇ રહ્યા છે.

૮મીએ સુરત ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પક્ષ પ્રમુખ જીતુ વાઘાણી પાટીદાર સંસદીય સચિવો અને ધારાસભ્યોનું સન્માન કરતો સમારંભ યોજાશે. જેમાં એક લાખથી વધુ પાટીદારો હાજરી આપે તેવી સંભાવના છે.

You might also like